શહેરાના વાઘજીપુર ગામે રસ્તો પહોળો કરવા પોલીસ છાવણી વચ્ચે ૨૦૦ જેટલા દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે વિકાસકાર્યોમાં બાધારૂપ બની રહેલા કાચા-પાકા દબાણો પર ગુરુવારે તંત્રએ લાલ આંખ કરી હતી. અહીંના મુખ્ય રસ્તાને પહોળો કરવા અને તેના નવીનીકરણની કામગીરી સુચારુ રૂપે હાથ ધરવા માટે વહીવટી તંત્ર દ્વારા પોલીસ છાવણી વચ્ચે ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, શહેરાથી વાઘજીપુરને જોડતો માર્ગ અત્યંત ખરાબ હાલતમાં હોવાથી સરકાર દ્વારા તેને નવો બનાવવા અને પહોળો કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, રસ્તાની બંને તરફ 200 જેટલા સ્થાનિકોએ મકાનો, દુકાનો અને લારી-ગલ્લાના દબાણો કરી દીધા હોવાથી કામગીરી ખોરંભે પડી હતી. આ અંગે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા અગાઉ તમામ દબાણકર્તાઓને નોટિસ પાઠવી જગ્યા ખાલી કરવા તાકીદ કરાઈ હતી. તંત્રની નોટિસ બાદ અમુક લોકોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધા હતા, પરંતુ જે દબાણો યથાવત હતા ત્યાં ગુરુવારે સવારે જેસીબી મશીનો કામે લગાડવામાં આવ્યા હતા.
આ મેગા ડ્રાઈવમાં માર્ગ-મકાન વિભાગ, રેવન્યુ વિભાગ અને મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ સંયુક્ત રીતે કામગીરી પાર પાડી હતી. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે 2 પીઆઈ અને 3 પી.એસ.આઈ. સહિત 100થી વધુ પોલીસ જવાનોના કાફલાની હાજરીમાં રસ્તા પરના દબાણો જમીનદોસ્ત કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.





