જંબુસરમાં પતિએ પત્નીની હત્યા કરી, બાદમાં ઝેરી દવા ગટગટાવી:સારવારમાં પતિનું પણ મોત, હત્યાનું કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સામોજ ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અગમ્ય કારણોસર પતિએ પોતાની જ પત્નીની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી નાખી હતી. જે ઘટના બાદ પતિએ પણ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
મળતી માહિતી મુજબ સામોજ ગામમાં રહેતા બુધેસંગ શંકરભાઈ પઢિયારે પોતાની પત્ની ગીતાબેનની ખેતરમાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી હતી. ગંભીર કૃત્ય બાદ બુધેસંગે ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેના કારણે તેની હાલત ગંભીર બની ગઈ હતી. સ્થાનિક ગ્રામજનો દ્વારા તેને તાત્કાલિક જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. જોકે, તેને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ મોત થયું છે.
ઘટનાની જાણ થતાં જ વેડચ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ દ્વારા મૃતક ગીતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. સાથે જ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ આરંભી દેવામાં આવી છે. પોલીસ વધુ વિગતો એકત્રિત કરી આગળની કાર્યવાહી કરી રહી છે.



