BUSINESS

ડિસેમ્બર માસની બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં ૦.૨૫%નો ઘટાડો કરે તેવી શક્યતા…!!

ઓક્ટોબર માસમાં ફુગાવો નોંધપાત્ર રીતે ઘટીને ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આગામી મોનેટરી પોલિસી બેઠકમાં રેપો રેટ ઘટાડે તેવી બજારમા અપેક્ષા મજબૂત બની છે. ફૂડ આઈટમોના ભાવમાં નરમાઈ અને કેટલાક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર જીએસટી ઘટાડાના પ્રભાવથી મહિનાઓ પછી ફૂડ ઇન્ફ્લેશનમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબર માસનો રિટેલ ફુગાવો માત્ર ૦.૨૫% રહ્યો હતો, જે મુજબ ઘરેલું માંગમાં ગતિ લાવવા આરબીઆઈ રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઈન્ટની કટ કરે તેવી શકયતા બેન્કિંગ વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે. નીચા ફુગાવાના માહોલમાં માંગને પ્રોત્સાહિત કરવા આરબીઆઈ હવે પોલિસીને વધુ સોફ્ટ બનાવે તેવી દિશામાં સંકેત મળી રહ્યા છે.

આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ તાજેતરમાં રેટ કટ માટે અવકાશ હોવાની વાત સ્વીકારી હતી. વર્ષના પ્રથમ છ મહિનામાં આરબીઆઈ પહેલેથી જ ૧%નો વ્યાજ દર ઘટાડો કરી ચૂકી છે, પરંતુ ઓગસ્ટ માસ બાદથી રેપો રેટ યથાવત્ રહ્યો છે. આગામી ૩ થી ૫ ડિસેમ્બર વચ્ચે યોજાનારી એમપીસી બેઠકમાં રેપો રેટ ૫.૨૫% પર લાવવાની સંભાવનાઓની ચર્ચા તેજ બની રહી છે.

કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આરબીઆઈ આગામી એક વર્ષ સુધી ૫.૨૫% રેપો રેટ જાળવી રાખવાનું પસંદ કરી શકે છે, જેથી માંગને સ્વરૂપ મળે અને વૃદ્ધિનો વેગ જાળવી રાખી શકાય. જ્યારે ભારતનું આર્થિક વિકાસ દર મજબૂત દેખાઈ રહ્યું છે, ત્યારે બજારમાં જીએસટી ઘટાડો અને આવકવેરામાં આપવામાં આવેલી રાહત પછી માંગ વધારવા વ્યાજ દરમાં ઘટાડો એક યોગ્ય પગલું બની શકે છે, એવો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, ભારત-અમેરિકા વેપાર કરાર અંગે હજુ સ્પષ્ટતા ન હોવાથી અને ઊંચા ટેરિફને કારણે નિકાસકારોને ટેકો આપવો પણ નીતિનું એક મહત્વનું પાસું બની શકે છે.

Back to top button
error: Content is protected !!