MORBI:મોરબીમાં શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાના વરદ હસ્તે અંદાજે ૭.૧૧ કરોડના સિંચાઈના કામોનું ખાતમુહૂર્ત કરાયું

MORBI:મોરબીમાં શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાના વરદ હસ્તે અંદાજે ૭.૧૧ કરોડના સિંચાઈના કામોનું ખાતમુહૂર્ત કરાયું
“મચ્છુ નદીનું પાણી દરિયામાં જતું અટકે અને માળિયા વિસ્તાર પાણીદાર બને તે માટે સરકારનું વિશેષ આયોજન”
– મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા
માળિયાના ૧૨૦૦ હેક્ટર વિસ્તારને પ્રત્યક્ષ/પરોક્ષ સિંચાઈ સવલત મળતા કૃષિ ક્ષેત્ર બનશે વધુ ઊજળું; પાણીના તળ ઊંચા આવશે
મોરબીમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં માળીયા તાલુકાના નાની બરાર ગામે સિંચાઈના વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીના હસ્તે જિલ્લાના અંદાજે રૂ.૭.૧૧ કરોડના ૬ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાઓ સાકાર થતા અંદાજિત ૧૨૦૦ હેક્ટરથી વધુ વિસ્તારને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. આ સવલત થકી માળિયા વિસ્તારનું કૃષિ ક્ષેત્ર ઊજળું બનશે તથા કૂવાઓનું રિચાર્જ થતા જમીનમાં પાણીના તળ પણ ઊંચા આવશે.
આ તકે પ્રાસંગિક પ્રવચન આપતા મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મચ્છુ નદીનું પાણી દરિયામાં જતું અટકે અને તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી મોરબી જિલ્લો અને ખાસ કરીને માળિયા તાલુકો પાણીદાર બને તે માટે સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માળિયાના તમામ પ્રશ્નોના નિરાકરણ બાબતે અમે સતત પ્રયત્નશીલ છીએ.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, માળિયામાં હાથ ધરાઈ રહેલા ખેડૂતોના વિકાસ અને સ્થળાંતર અટકાવવા માં અગત્યની ભૂમિકા ભજવશે. સરકારના અથાગ પરિશ્રમ થકી આજે ગામડાઓમાં સતત વિકાસ થઈ રહ્યો છે અને વિવિધ ગામડાઓની કાયાપલટ થઈ રહી છે.
મંત્રીશ્રીના હસ્તે નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત મોરબી સિંચાઈ વિભાગ(રાજ્ય) તથા સિંચાઈ વિભાગ (પંચાયત) હસ્તકના રૂ. ૨.૦૪ કરોડના ખર્ચે ધોડાધ્રોઈ નદી પર જેતપર – શાપર ગામે નવો ચેકડેમ, રૂ.૩.૦૩ કરોડના ખર્ચે મચ્છુ-૩ મુખ્ય નહેરથી મોટી બરાર – જશાપર તળાવનું જોડાણ, રૂ. ૦.૫૦ કરોડના ખર્ચે મચ્છુ-૩ માઈનોર નહેરથી મેઘપર ગામ તળાવનું જોડાણ, રૂ. ૧.૦૭ કરોડના ખર્ચે નવાગામ – ધરમનગર – રાસંગપર તળાવનું જોડાણ, રૂ. ૦.૩૩ કરોડના ખર્ચે જશાપર – નાની બરાર – જાજાસર – દેવગઢ તળાવનું જોડાણ અને રૂ. ૦.૧૪ કરોડના ખર્ચે મહેન્દ્રગઢ – સરવડ તળાવનું જોડાણના કામ સહિત કુલ રૂ. ૭.૧૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૬ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી હિરાભાઈ ટમારીયા, માળિયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી સુશીલાબેન બાવરવા સહિત પદાધિકારીશ્રીઓ, માળિયા મામલતદારશ્રી એચ.સી. પરમાર, સિંચાઈ વિભાગ (રાજ્ય અને પંચાયત)ના કાર્યપાલક ઈજનેરશ્રી હરદીપ છૈયા અને શ્રી યશ ગુઢકા તથા સ્થાનિક અગ્રણીઓ, પદાધિકારી/અધિકારીશ્રીઓ તેમજ નાની બરાર સહિત આસપાસ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







