
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લામાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીની ભવ્ય ઉજવણી,૯૬ વિદ્યાર્થીઓ તથા સંસ્કૃત શિક્ષકોનું સન્માન
અરવલ્લીના મોડાસા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પંચકમ યોજના અંતર્ગત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી બાબાસાહેબ આંબેડકર હોલમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠના વડપણ અને અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હોલ વૈદિક મંત્રોચ્ચાર, શંખનાદ અને ઋષિકુમારોના સંસ્કૃત શ્લોકોથી સંસ્કૃતિમય બની ગયો હતો. શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વિધિવત્ પૂજન તથા પ્રદર્શની કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જે.એસ. પટેલે કર્યું હતું. સંસ્કૃત ભારતીના જિલ્લા સંવાહક ડૉ. સંજય પંડ્યાએ જીવનમાં મૂલ્યશિક્ષણ તથા ભગવદ્ ગીતાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. સરકારી બી.એડ. કોલેજના અધ્યાપક ડૉ. સાગર મહેતાએ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦ હેઠળ સંસ્કૃત શિક્ષણ અને “સંસ્કૃત ઇન સાયન્સ” વિષય પર પ્રકાશ પાડ્યો. ગાયત્રી પરિવાર-મોડાસાના પ્રમુખ ધર્માભાઈ પટેલે ભગવદ્ ગીતાના જીવનોપયોગી સંદેશ વિશે વિસ્તારથી માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમના નોડલ અધિકારી સ્નેહાબેન રાવલની ઉપસ્થિતિમાં માન. જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા અન્ય મહાનુભાવોએ પણ કાર્યક્રમને શોભાવ્યો.કાર્યક્રમના અંતે “શતસુભાષિત કંઠપાઠ યોજના” તથા “શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના” અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાંથી પસંદગી પામેલા ૯૬ વિદ્યાર્થીઓ તથા જિલ્લાના માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંસ્કૃત શિક્ષકોને પ્રમાણપત્ર તથા સન્માનથી નવાજવામાં આવ્યા.કાર્યક્રમનો સુંદર સંચાલન જે.એસ. પટેલે કર્યું હતું અને આભારવિધિ જયેન્દ્રકુમાર ડી. ભટ્ટે કરી કાર્યક્રમનું સમાપન કર્યું.આ પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંસ્કૃત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.





