
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં કાકડવિહીર ગામે જિલ્લા આઈસીડીએસ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે.ડાંગ જિલ્લા પંચાયતનાં આઈસીડીએસ વિભાગનાં પાપે આદિવાસી માસૂમ ભૂલકાઓને આંગણવાડીનાં મકાનની સુવિધા પણ ન મળતા સરકારનાં ગુલાબી ચિત્રો માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં આંતરિયાળ વિસ્તારમાં આવેલ કાકડવિહિર ગામે છેલ્લા એક વર્ષથી આંગણવાડી મકાન ન હોય આદિવાસી ભૂલકાઓ કાચા મકાનનાં ઓટલા પર પાયાનું શિક્ષણ મેળવવા મજબુર બન્યા છે.આદિવાસી માસૂમ બાળકોને પોષ્ટિક ભોજનના બદલે નીચી ગુણવત્તાનું ખોરાક આપવામાં આવતુ હોવાનું જાણવા મળે છે.સાથે આંગણવાડી કેન્દ્ર કાચા ભાડાના મકાનમાં ચાલે છે.આદિવાસી બાળકોનાં શિક્ષણ અને પાયાની સુવિધાઓ માટે બણગા ફૂંકતી ડબલ એન્જીન વાળી સરકારની યોજના ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલ કાકડવિહિર ગામે હાલમાં ખોખલી સાબિત થઈ રહી છે.ગામની આદિવાસી વસાહતમાં ભાડાના કાચા મકાનમાં ચાલતી આંગણવાડીમાં ન તો બાળકોને બેસવા માટે યોગ્ય જગ્યા છે, ન તો સલામત માળખું.વરસાદી અને ઠંડીના દિવસોમાં બાળકોને ભણવા મુશ્કેલી પડે છે.તેવામાં નવનિર્માણનું ભવિષ્ય બની રહેલ માસૂમ બાળકો કોને ફરીયાદ કરશે.અહી આદિવાસી માસૂમ બાળકોની યાતના અને વેદનાને ડાંગ જિલ્લા પંચાયતનું આઇસીડીએસ વિભાગ ધોળીને પી ગયુ છે.સ્થાનિક વાલીઓના જણાવ્યા મુજબ, સરકારે નક્કી કરેલ પોષ્ટિક ભોજનના મેનુ મુજબ ખોરાક આપવામાં આવતો નથી.તેના બદલે હલકી ગુણવત્તાવાળું ભોજન પીરસવામાં આવે છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. ઘણા બાળકોમાં તંદુરસ્તી અને ઉર્જાની અછત જેવી સમસ્યાઓ ઊભી થઈ છે.આંગણવાડીનો હેતુ બાળકોના શૈક્ષણિક તથા શારીરિક વિકાસ માટે છે, પરંતુ કાકડવિહિર ગામે પ્રશાસનની ઉદાસીનતાના કારણે આ હેતુ અધૂરો રહી ગયો છે.ગ્રામજનો તથા સ્થાનિક સમાજકાર્યકર્તાઓએ માંગ કરી છે કે તાત્કાલિક આંગણવાડી માટે પાક્કું ભવનનું બાંધકામ શરૂ કરાય, અને બાળકોને સરકારી ધોરણ મુજબનું પોષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવાય. સાથે જ દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે..





