ગીતાજયંતી ઉપક્રમે ખંભાળિયામાં ટાઉનહોલ ખાતે ગીતા મહોત્સવ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા
ગીતા જયંતી- માર્ગશીર્ષ શુક્લ એકાદશીના દિવસે દેવભૂમિ દ્વારકામાં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ યોજાયો હતો. જ્ઞાન, આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનો આ ઉત્સવ ખંભાળિયા ખાતે ટાઉનહોલમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
સમૂહ શ્લોકગાન, દીપ પ્રાગટ્ય અને શ્રીમદ્ ભગવદ્ ગીતા પૂજન દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વક્તવ્ય દ્વારા સંસ્કૃત સંવર્ધન માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. મહાનુભાવોનું સ્વાગત ગીતાનો ગ્રંથ આપીને કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા કથક કલા કેન્દ્રની બાળાઓ દ્વારા નૃત્ય, એસ.એન.ડી.ટી. હાઈસ્કુલ, પુરુષાર્થ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા નાટ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગીતા કંઠ પાઠ રજૂ કર્યો હતો, સ્પર્ધામાં જોડાયેલા વિધાર્થીઓને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
નોંધનીય છે કે, રાજ્ય સરકારના ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ દ્વારા સંસ્કૃત અને ગીતાના જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાના હેતુથી ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
આ ઉજવણીમાં વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, વિવિધ સંસ્કૃત પાઠશાળાઓના વિદ્યાર્થીઓ, સંસ્કૃત પ્રાધ્યાપકો અને ગીતાઅનુરાગીઓ જોડાયા હતા.








