Rajkot: રાજકોટ ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતા મહોત્સવની ઉજવણી કરાઈ

તા.૧/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ગીતા એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ વિશ્વ કલ્યાણના માર્ગને ચરિતાર્થ કરતો ગ્રંથ છે.
શ્રી હિમાંજય પાલીવાલ (અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ)
૧૫૦થી વધુ છાત્રોએ સંસ્કૃતમાં ગીતાના શ્લોકનું કર્યું પઠન : સમગ્ર વાતાવરણ દિવ્યમય બન્યું
Rajkot: ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટની આત્મીય વિદ્યાલય ખાતે મેયર શ્રી નયનાબેન પેઢડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પાલીવાલની અધ્યક્ષતામાં ભગવત ગીતાનું પૂજન, શ્લોકન તેમજ ગીતા ગ્રંથ પ્રદર્શની, ગીતા શ્લોકાંત સમીક્ષા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
શ્રી હિમાંજય પાલીવાલે વિસરાતી જતી સંસ્કૃત ભાષાની પુનઃ જાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા સંસ્કૃત બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે તેના માટે આભારની લાગણી વ્યક્ત કરી સંસ્કૃત ભાષા અને ગીતાનું મહત્વ સમજાવ્યું હતું.
ગીતાનો મર્મ સમજવા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોવાનું જરૂરી છે તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, ગીતાએ માત્ર ભારતીય ધાર્મિક ધર્મગ્રંથ નથી પરંતુ વૈશ્વિક માનવ ચેતના અને માનવ કલ્યાણને ઉજાગર કરતો ગ્રંથ છે.
જ્યારે ભારતીય સંસ્કૃતિના ભાગ તેવા યોગ અને આર્યુવેદને વિશ્વએ સ્વીકાર્યું છે ત્યારે, ગીતા અને સંસ્કૃતના માધ્યમથી ભારત સમગ્ર વિશ્વને નવો રાહ દર્શાવી વિશ્વગુરુ બનવા જઈ રહ્યું હોવાનું તેમણે આનંદ સાથે જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ઓમ નાદ બ્રહ્મ, ગીતાના શ્લોકના પઠન, શિવ તાંડવ, કાલભૈરવમ સ્તુતિ, મહાભારતના યુદ્ધ પૂર્વેના શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રોફેસર જગતભાઈ તેરૈયા, નિત્ય નિષ્ઠાનંદ સ્વામીજીએ ભગવત ગીતાનાં કર્તવ્ય, બોધ ગુણોને આચરણ સાથે જીવનમાં ઉતારવા સમજાવ્યું હતું.
આ તકે રાજકોટમાં યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રામાં સહભાગી થયેલી શાળાઓને મહાનુભાવોના હસ્તે સન્માન પત્ર આપવામાં આવ્યા હતા.
આત્મીય વિદ્યાલય ખાતે સંસ્કૃત ગ્રંથનું પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમના મુખ્ય ભાગરૂપે ૧૫૦થી વધુ છાત્રોએ સંસ્કૃતમાં ગીતાના શ્લોકનું પઠન કર્યું હતું જેથી સમગ્ર વાતાવરણ દિવ્યમય બન્યું હતું. છાત્રો દ્વારા બોલાયેલા ગીતાના શ્લોકની સમજણની સમીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર છાત્રોને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દીક્ષિતભાઈ પટેલ, સંસ્કૃત ભારતીય બોર્ડના રાજકોટના અધ્યક્ષ શ્રી વિઠ્ઠલભાઈ વાગડિયા, આત્મીય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી રાકેશભાઈ મુદગલ, આત્મીય વિદ્યાલયના સ્વસ્તિક દીદી, શ્રી ચંદ્રશેખર જાડેજા, શ્રી વિક્રમભાઈ પુજારા સહિત વિવિધ શાળાના સંચાલકશ્રી, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશભાઈ ભટ્ટે કર્યું હતું.











