BODELICHHOTA UDAIPURGUJARAT

1000 જેટલા ખેડૂતોને સડેલું મકાઈ બિયારણ આપ્યાનો ગંભીર આક્ષેપ

છોટાઉદેપુર ખાતે આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર (GSFC) દ્વારા ખેડૂતોને સડેલું મકાઈનું બિયારણ આપવા માં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ આશરે 1000 જેટલા ખેડૂતોને આ બિયારણનું વિતરણ થયું હોવાની ચર્ચા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પાઘરવાટ સહિત આસપાસના ગામોમાંથી આવેલા BPL ખેડૂતો આજે મફત મળતી બીજ કીટ લેવા પહોંચ્યા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ, 14 નવેમ્બરે મળેલી કીટમાંથી ઘણા ખેડૂતો ઓરણી કરી ચૂક્યા છે, પરંતુ તેમાં 100 બીજમાંથી માત્ર 30 ટકા જેટલું જ અંકુરણ થયેલું છે, બાકીના બીજ સડી જવાથી ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે, આજે મળેલી નવી કીટનું પેકેટ ખોલતા પણ તેમાં ખરાબ અને દુર્ગંધવાળું સડેલું બિયારણ જોવા મળ્યું હતું. જ્યારે તેઓ આ બાબતે સુવિધા કેન્દ્રમાં રજૂઆત કરવા ગયા ત્યારે કર્મચારીઓ દ્વારા “ઓરણી કરતા પહેલા તપાસ કરવી જોઈએ” એવો જવાબ આપવામાં આવ્યો હતો, જેનાથી ખેડૂતોમાં વધુ રોષ ફેલાયો હતો.
ખેડૂતો દ્વારા ઓરણી થયેલ મકાઈ ફરીથી પુરવઠામાં આપવા અને થયેલ નુકસાનની ભરપાઈ કરવાની માંગ પણ કરવામાં આવી છે.
ખેડૂતોનો સવાલ છે કે —
 સડેલું બિયારણ આપ્યા પછી થયેલ નુકસાનની જવાબદારી કોણ લેશે?
 શું સરકાર અથવા સુવિધા કેન્દ્ર ખેડૂતોને વળતર આપશે?
કમોસમી માવઠા અને પાકમાં થયેલ નુકસાન બાદ ખેડૂતો પહેલેથી જ આર્થિક તંગીમાં છે, ત્યારે હવે ફરી સડેલું બિયારણ મળતા ખેડૂતો ઉગ્ર રોષે ભરાયા છે અને મીડિયાની સામે પોતાની વ્યથા વ્યક્ત કરી છે.
રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!