મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા માન્ય રાજકીય પક્ષો સાથે મતદારયાદી સુધારણા અંગે મહત્વની બેઠક

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સમગ્ર ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ ચાલી રહેલી તૈયારીઓને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠકમાં BJP, INC, AAP અને BSPના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં હાલમાં 82.85 ટકા કરતા વધુ ગણતરી ફોર્મ્સનું ડિજિટાઈઝેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને દર કલાકે આ કામગીરીમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને અંતરિયાળ તથા આદિજાતિ વિસ્તારોમાં ડિજિટાઈઝેશનનું કાર્ય ઝડપી ગતિથી આગળ વધી રહ્યું છે. રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં આ પ્રક્રિયા યુદ્ધસભર રીતે ચાલુ છે. રાજ્યભરના BLO પોતાની જવાબદારીઓને ચૂંટણી પંચના સૈનિકોની જેમ ખંતપૂર્વક નિભાવી રહ્યા છે, જે પ્રશંસનીય છે.
નાગરિકોને વધુ સુવિધા મળે તે હેતુસર માન્ય રાજકીય પક્ષોના 50 હજારથી વધુ BLA પણ આ ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં સહકાર આપી રહ્યા છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાવાળા વિસ્તારોમાં વસ્તી જટિલતાને ધ્યાનમાં રાખીને 30 હજારથી વધુ સ્વયંસેવકોની નિમણૂક કરીને BLOની કામગીરીને મજબૂત બનાવવામાં આવી છે. આગામી તબક્કામાં BLO અને BLAની ભૂમિકા વધારે મહત્વપૂર્ણ બનનાર હોવાથી રાજકીય પક્ષોએ શક્ય તેટલી વધુ સંખ્યામાં BLAની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી.
રાજ્યભરમાં મતદારોના પ્રશ્નોનો ઉકેલ મળે તે માટે 15, 16, 22, 23, 29 અને 30 નવેમ્બર – એમ કુલ છ દિવસ ખાસ કેમ્પો યોજાયા હતા, જેમાં 50 લાખથી વધુ લોકોએ લાભ મેળવ્યો. આગામી તબક્કાઓમાં પણ આવા વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવશે જેથી વધુ નાગરિકો સુધી સેવાઓ પહોંચે.
રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી 16 ડિસેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ થશે. જેમના નામ ડ્રાફ્ટ યાદીમાં સમાવાયેલા ન હોય તેવા મતદારોની યાદી, નામ નહીં આવવાના કારણો સાથે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં મૂકવામાં આવશે તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ રહેશે. જે મતદારોએ ગણતરી ફોર્મ જમા કરાવ્યું નથી અને નામ ડ્રાફ્ટ યાદીમાં ન આવે, તેઓ ફોર્મ નંબર 6 ભરી શકશે. 15 જાન્યુઆરી 2026 સુધી નોંધણી અધિકારીને પ્રાપ્ત થયેલા ફોર્મની મંજૂરી બાદ નામો આખરી મતદાર યાદીમાં ઉમેરવામાં આવશે. ત્યારબાદ પણ ફોર્મ 6 અને 8 કોઈપણ સમયે જમા કરાવી શકાશે અને યોગ્ય અરજદારોના નામો સતત સુધારણા અથવા ખાસ સંક્ષિપ્ત સુધારણા સમયગાળા દરમિયાન ઉમેરાશે.
બેઠકના અંતે અધિકારીએ મતદારયાદી સુધારણા ઝુંબેશનો હેતુ પુનઃ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે– “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય.”
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ સમગ્ર પ્રક્રિયામાં ચૂંટણી પંચને સંપૂર્ણ સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.







