
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં એકમાત્ર અને લોકપ્રિય ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન પ્રવૃત્તિઓ દ્વારા નોટિફાઈડ કચેરીને દર વર્ષે કરોડો રૂપિયાની જંગી આવક થાય છે.સાપુતારામાં બોટિંગ,ટોલબુથ, પાર્કિંગ, અને વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઝમાંથી આટલી મોટી આવક થતી હોવા છતા, પ્રવાસીઓને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓનાં ધજાગરા ઉડી ગયા છે અને સફાઈની અપૂરતી વ્યવસ્થાને કારણે સાપુતારાનું સૌંદર્ય કલંકિત થઈ રહ્યું છે.પ્રવાસન વિકાસની મોટી મોટી વાતો વચ્ચે સાપુતારાના મુખ્ય માર્ગોની સ્થિતિ અત્યંત દયનીય છે.સાપુતારા સ્વાગત સર્કલથી સ્વામિનારાયણ મંદિરનો માર્ગ થઈને ટેબલ પૉઇન્ટ સુધીનો રસ્તો, તેમજ સનરાઇઝ પૉઇન્ટને જોડતા માર્ગો ઠેર ઠેર ઊંડા ખાડાઓથી ભરાયેલા છે.આ માર્ગો પર રોજ હજારો પ્રવાસીઓ અવરજવર કરે છે,અહી બિસ્માર રસ્તાઓને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની વારંવારની રજૂઆતો છતા, તંત્ર દ્વારા સ્થિતિ સુધારવા માટે કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી, જેના પરિણામે પ્રવાસીઓને વિખૂટા પ્રવાસનનાં અનુભવનો સામનો કરવો પડે છે.માત્ર રસ્તાઓ જ નહીં, સાપુતારાના હાર્દ સમોવડું ગણાતું સર્પગંગા તળાવ પણ તંત્રની બેદરકારીનો ભોગ બન્યું છે. તળાવમાં અપર્યાપ્ત સફાઈના કારણે પ્લાસ્ટિકની બોટલો અને અન્ય કચરાનો ઢગ જામી ગયો છે, જેનાથી તળાવનું પાણી કલંકિત થઈ રહ્યું છે. નોંધનીય છે કે આ તળાવનું પાણી હોટલો તેમજ સ્થાનિકો દ્વારા પીવાના પાણી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે, જેના કારણે સ્થાનિકોના આરોગ્ય સંબંધિત જોખમ વધી રહ્યું છે. બોટિંગ દરમિયાન પ્રવાસીઓ દ્વારા પાણીમાં કચરો ફેંકવામાં આવતો હોવા છતાં, કડક નિયમન અને દેખરેખનો અભાવ પ્રશાસનની ગેરવહીવટને સ્પષ્ટપણે ઉજાગર કરે છે.વર્ષોથી તંત્રની અવગણનાનો ભોગ બનેલા સ્થાનિક રહેવાસીઓ અને પર્યાવરણપ્રેમી સંસ્થાઓ હવે સત્તાવાળાઓને સીધો પ્રશ્ન કરી રહ્યા છે: “પ્રવાસન દ્વારા થતી કરોડો રૂપિયાની આવક ક્યાં જાય છે?” અને “પ્રવાસીઓને મૂળભૂત સુવિધા કેમ નથી મળતી?”
સાપુતારા જેવા લોકપ્રિય ગિરિમથકમાં આ પ્રકારની બેદરકારી માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ ડાંગના પ્રવાસન ક્ષેત્રની પ્રતિષ્ઠા અને આવક ઉપર પણ ગંભીર આંચકો આપી શકે છે. પર્યાવરણપ્રેમી સંસ્થાઓએ પણ તંત્રને તાત્કાલિક ધોરણે રસ્તાઓની મરામત, તળાવની સફાઈ અને કચરો ફેલાવતા પ્રવાસીઓ સામે કડક કાર્યવાહી જેવા સુધારાત્મક પગલાં લેવા અપીલ કરી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો સાપુતારાનું કુદરતી સૌંદર્ય, પ્રવાસન વ્યવસાય અને સ્થાનિકોની આરોગ્ય સુરક્ષા ત્રણેય ગંભીર સંકટમાં મુકાઈ શકે છે.જોકે આ અંગે કામગીરી થાય છે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યુ..






