
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સો ટકા દ્રષ્ટિવિહીન એકલી અટૂલી, આમતેમ અટવાતી ડાંગ જિલ્લાના ગૌહાણ ગામની એક દિવ્યાંગ મહિલાને, અન્ય એક સંવેદનશીલ સનદી મહિલા અધિકારીના માનવતાપૂર્ણ અભિગમે તેને ઠરીઠામ થવાની તક ઉપલબ્ધ કરાવી છે.
વાત છે, ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના સુબીર તાલુકાના ગૌહાણ ગામે રહેતી અને સો ટકા દ્રષ્ટિવિહીન દિવ્યાંગ મહિલા શ્રીમતી સુનિતાબેન રમેશભાઇ સુર્યવંશીની. કે જેઓ જમીન વિહોણા હોવા સાથે બિલકુલ નિરાધાર અવસ્થામાં વર્ષોથી ગૌહાણ ગામે વસવાટ કરી રહ્યા હતા. પોતાના માતાપિતાની છત્રછાયા ગુમાવનારી આ દિવ્યાંગ મહિલા પાસે રહેઠાણ માટેની જમીન પણ ન હતી. જેથી તેમણે ડાંગની કલેક્ટર કચેરી ખાતે જમીન માંગણીની અરજ ગુજારી હતી.
સદનસીબે ડાંગ જિલ્લાના પ્રશાસનિક વડા તરીકે પણ એક સંવેદનશીલ સનદી અધિકારી સુશ્રી શાલિની દુહાન કલેક્ટર તરીકે ફરજ પર હતા. જેમની સામે આ જમીન વિહોણા દિવ્યાંગ મહિલાની અરજી આવતાં, તેઓએ ખૂબ જ માનવતાવાદી અભિગમ અપનાવી, ત્વરિત નિવાસી અધિક કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, સુબિર મામલતદારશ્રી સહિતના મહેસુલી સત્તાધિકારીઓને વિશેષ સૂચનો જારી કરી, જમીન ફાળવણી હેતુસર કાર્યવાહી કરવાં જણાવ્યુ.
જિલ્લા કલેક્ટર કચેરીની જમીન શાખા દ્વારા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જરૂરી કાગઝી કાર્યવાહી પૂર્ણ કરીને, આ દિવ્યાંગ મહિલાને આશરો મળે તે માટે રહેણાંક હેતુ માટે સરકારી પડતર જમીન ફાળવવાની આ કાર્યવાહીને ગતિ પ્રદાન કરી હતી. જિલ્લા વહિવટી તંત્રના મહેસુલી અધિકારીઓની આ ટીમ દ્વારા, સુબિર તાલુકાના જામાલા ગામે નવા સર્વે નંબર ૪૨ કુલ ક્ષેત્રફળ હેક્ટર ૦-૯૧-૩૧ આરે.ચો.મી પૈકી ૧૫૦.૦૦ ચો.મી સરકારી પડતર જમીનની આ અબળા મહિલાને રહેણાંક હેતુ માટે ફાળવણી કરી આપી, વહીવટી તંત્રની સંવેદનશીલતાને ઉજાગર કરી હતી.
શ્રીમતી સુનિતાબેન સુર્યવંશીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેઓ જમીન વિહોણા હોવાથી ભટકતું જીવન વ્યતિત કરી રહ્યાં હતાં. પંરતુ કલેક્ટરશ્રી સમક્ષ અરજ ગુજારતા, મને તાત્કાલિક ધોરણે પ્લોટની ફાળવણી કરી આપવામાં આવી છે. જે બદલ તેમણે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ કચેરીના તમામ મહેસુલી અધિકારી, કર્મચારીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે તેઓ નિરાંતે સ્થાયી જીવન જીવી શકશે. સંયોગવશ તા. ૩જી ડિસેમ્બરે ‘દિવ્યાગ દિન’ નિમિત્તે તેઓને રહેણાંક માટેના આ પ્લોટની ફાળવણી પણ કરી દેવાતા, તેમણે જિલ્લા વહિવટી તંત્ર સહિત રાજ્ય સરકાર પ્રત્યે પણ વિશેષ આભાર પ્રગટ કર્યો છે.





