ભરૂચમાં શનિ અને રવિવારે થશે હેલિકોપ્ટર શો, લોકોને નિહાળવા માટે જાહેર આમંત્રણ


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન (BDMA) અને ભરૂચ સિટિઝન કાઉન્સિલ (BCC) ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સહયોગથી યુવાનોમાં દેશપ્રેમ, પ્રેરણા અને રાષ્ટ્રીય ગૌરવ ઉભું કરવા માટે એક વિશાળ જાહેર એર શો નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર એરોબેટિક ટીમ તેમજ આકાશગંગા સ્કાઈડાઇવિંગ ટીમનું જીવંત એર શો પ્રદર્શન ગુજારાત રાજ્યમાં પ્રથમ જાહેર એર શો હશે.
ડિફેન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) વિશે માહિતગાર કરવાની વિશેષ પહેલ પણ કરવામાં આવી રહી છે.
વિશેષ નોંધનીય છે કે 7 ડિસેમ્બરનો દિવસ ભારતમાં સશસ્ત્ર દળો ધ્વજ દિવસ (Armed Forces Flag Day) તરીકે ઉજવવામાં આવે છે, જેનો હેતુ દેશના સૈનિકો, ભૂતપૂર્વ સૈનિકો તથા શહીદ વીર જવાનોને સન્માન આપવાનો છે। આવા પવિત્ર દિવસના અવસર પર આ એરશોનું આયોજન રાષ્ટ્રીય ભાવના ને વધુ ગૌરવ પ્રદાન કરશે.
સારંગ – આકાશગંગા એર શો તા. 6 અને 7 ડિસેમ્બર 2025 (શનિવાર અને રવિવાર) ના રોજ અંકલેશ્વર એરપોર્ટ સાઇટ, NH-48, માંડવા ખાતે સવારે 9:30 વાગ્યેથી શરૂ થશે.
કાર્યક્રમ ની રૂપરેખા:
• રિમોટ કંટ્રોલ્ડ એરો મોડેલ શો
(9:30 થી 10:45)
• આકાશગંગા સ્કાઈડાઇવિંગ ટીમ
• સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ
(11:00 થી 11:30)
સારંગ ટીમ વિશ્વની માત્ર પાંચ સૈનિક હેલિકોપ્ટર એરોબેટિક ટીમોમાંની એક છે, જ્યારે આકાશગંગા સ્કાઈડાઇવિંગ ટીમ ભારતીય વાયુસેના દ્વારા હવાયુદ્ધ કૌશલ્ય, શિસ્ત, બહાદુરી અને ટેક્નિકલ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું પ્રદર્શન ભારતીય સશસ્ત્ર દળોના ગૌરવ, સમર્પણ અને ક્ષમતાનો જીવંત સ્વરૂપ હશે.
કાર્યક્રમ સાથે BDMA અને BCC ટ્રસ્ટ દ્વારા યુવાનોને ડિફેન્સ કારકિર્દી અને NDA પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. NDA વિશ્વપ્રસિદ્ધ સંસ્થા છે, જ્યાંથી ભારત માટે આર્મી, નેવી અને એરફોર્સના યુવા અધિકારીઓ તૈયાર થાય છે.
સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર આદર્શ ઠાકુર અને ફ્લાઈંગ ઓફિસર નંદિની ખાસ હાજર રહ્યા હતા. સાથે BDMA ના પ્રમુખ દેવાંગ ઠાકોર તથા BCC ના પ્રમુખ જીવરાજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે આ કાર્યક્રમને ભરૂચ–અંકલેશ્વર માટે ઇતિહાસ રચનાર ક્ષણ ગણાવી. આ કાર્યક્રમ સર્વજન માટે ખુલ્લો છે અને તેનો હેતુ યુવાનોમાં દેશપ્રેમ જગાવવો, રાષ્ટ્રીય સેવાના અવસરોથી માહિતગાર કરવો અને ભરૂચ–અંકલેશ્વર વિસ્તારને એક યાદગાર હવાઈ પ્રદર્શનનો અનુભવ કરાવવાનો છે. ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારના નાગરિકો, વિદ્યાર્થીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને એવિએશન રસિયાઓને આ અનોખો કાર્યક્રમ જોવા આમંત્રણ આપવાના આવ્યું છે.




