યુવાનોને ઝડપથી અને પારદર્શક રીતે સરકારી નોકરીઓ મળે તે હેતુથી GARC દ્વારા સરકારને 9 ભલામણો કરી

ગુજરાતમાં યુવાનોને ઝડપથી અને પારદર્શક રીતે સરકારી નોકરીઓ મળે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા બુધવારે (3 ડિસેમ્બર) તેનો છઠ્ઠો ભલામણ અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે. GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ રજૂ કરેલા આ અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શી અને યુવા-કેન્દ્રિત બનાવવા માટે 9 જેટલી મહત્ત્વની ભલામણો કરવામાં આવી છે.
આ સુધારાઓનો મુખ્ય હેતુ લાંબા સમયથી પડતર ખાલી જગ્યાઓ ઝડપથી ભરવાનો અને સમગ્ર પ્રક્રિયાને 1 વર્ષથી ઓછા સમયગાળામાં પૂર્ણ કરવાનો છે.
સરકારને કરાયેલી મુખ્ય 9 ભલામણો
GARC દ્વારા રાજ્યની ભરતી પ્રક્રિયામાં સુધારા માટે જે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, તેની પર નજર કરીએ તો..
1. ભરતી પ્રક્રિયા પૂરી કરવા માટેની નિશ્ચિત ટાઇમલાઇન જરૂરી
– ત્રણ સ્ટેજવાળી ભરતી પ્રક્રિયા 9થી 12 મહિનામાં પૂર્ણ કરવી.
– બે સ્ટેજવાળી પ્રક્રિયા 6થી 9 મહિનામાં પૂર્ણ કરવી.
2. સંયુક્ત ભરતી અને CET
સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડર માટે સંયુક્ત પ્રિલિમ્સ અને વિષયવાર મેઇન્સ પરીક્ષા (Common Entrance Test – CET) યોજીને વહીવટી ખર્ચ ઘટાડવો અને પ્રક્રિયામાં એકરૂપતા લાવવી.
3. રિક્વિઝિશન વિન્ડો
દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માંગણાપત્રક સબમિટ કરવાની વ્યવસ્થા કરવી. આ સાથે ભરતી નિયમો, પરીક્ષા નિયમો અને ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રીય સેલની રચના કરવી.
4. સંપૂર્ણ ડિજિટલ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન (IASS)
મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણીની વ્યવસ્થા કરવી. API-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડૉક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચના કરવી.
5. કેન્ડિડેટ ફ્રેન્ડલી ડેશબોર્ડ
ઉમેદવાર આધારિત યુનિક ID પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી નિમણૂક સુધીની પ્રક્રિયા ટ્રૅક કરી શકાય. પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા.
6. ડિજિટલ વર્કફ્લો
રિક્વિઝિશનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડિજિટલ વર્કફ્લો અપનાવવો જેથી ઉમેદવારોને વારંવાર દસ્તાવેજો રજૂ ન કરવા પડે.
7. ભરતી એજન્સીઓની ક્ષમતા વધારવી
આરોગ્ય વિભાગની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીસ રિક્રુટમેન્ટ બોર્ડ(MSRB)ની રચના કરવી. GSSSB, GPSSB અને GPRBને GPSCની સમકક્ષ વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવી.
8. કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનો ઉપયોગ
– શક્ય તેટલી પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત (Computer-Based) લેવી.
– દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ(EMU)ની સ્થાપના કરવી.
9. 10 વર્ષનું ભરતી કેલેન્ડર
ભવિષ્યની જરૂરિયાતો આધારિત 10 વર્ષના ભરતી કેલેન્ડરની સમીક્ષા હાથ ધરીને ક્રિટિકલ કેડરની ભરતી ઝડપથી પૂર્ણ કરવી.
GARCનો મુખ્ય ઉદ્દેશ ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ સમાન યુવાનોને સમયસર રોજગારી પૂરી પાડવાનો છે. આ ભલામણોના અમલથી ભરતી પ્રક્રિયાની સમયમર્યાદા ઘટીને 1 વર્ષથી ઓછી થવાની અપેક્ષા છે, જેનાથી યુવાનોને લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને સરકારી વહીવટી ક્ષમતામાં પણ સુધારો આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અહેવાલ સુપ્રત કરાયો ત્યારે મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે રાજ્ય સરકાર આ ભલામણોનો અભ્યાસ કરીને તેના અમલ તરફ આગળ વધશે.





