GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ નો કલેકટરશ્રી ડો. ઓમ પ્રકાશના હસ્તે અનુદાન આપી પ્રારંભ

તા.૬/૧૨/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

દેશ માટે બલિદાન આપનાર સૈનિકોના પરિવારજનો માટે ખુલ્લા હાથે દાન આપવા કલેકટરશ્રીની અપીલ

Rajkot: ૭મી ડિસેમ્બર ‘સશસ્ત્ર સેના ધ્વજ દિન’ સૈનિકોના બલિદાનને યાદ કરી તેઓના પરિવારજનોના સહારો બનવા માટેના અનુદાનનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજરોજ કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશે અનુદાન આપી આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો.

કલેક્ટરશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય સેનાના જવાનોને યાદ કરી શહીદો અને માજી સૈનિકોના પરિવારજનોને મદદરૂપ બનવા દાન કરવું જોઈએ. નૈતિક ફરજના ભાગરૂપે સૈનિક પરિવારોના કલ્યાણ માટે દરેક ભારતીય આ દાન દેવા માટે સહભાગી બને તેમ કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.

કલેકટરશ્રીને એન.સી.સી. ના કેડેટ્સ દ્વારા ઘ્વજ લગાવી વિધિવત રીતે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે સૈનિક કલ્યાણ અને પુનર્વસન વિભાગના કમાન્ડર પવનકુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની ભારતીય નાગરિકો તેમની જવાબદારી સમજે તે પણ આ દિવસની ઉજવણીનો હેતુ છે. ઉપરાંત, યુદ્ધ દરમિયાન થયેલી જાનહાનિ સામે સૈનિકોના પરિવારોનું પુનર્વસન, સેવા આપતા કર્મચારીઓ અને તેમના પરિવારોનું કલ્યાણ, ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોનું પુનર્વસન અને કલ્યાણનો હેતુ પણ છે.

કેડેટ્સ દ્વારા વિવિધ સરકારી અને સામાજિક સંસ્થાઓ , શાળા કોલેજમાં કેડેટ્સ દ્વારા ભંડોળ એકઠું કરવાની કામગીરી કરવામાં આવે છે. દાતાઓને આ દિવસે દેશમાં ત્રણેય સશસ્ત્ર સેનાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, ઘેરા વાદળી અને આછા વાદળી રંગોના નાના ધ્વજનું વિતરણ કરવામાં આવે છે.

દરેક નાગરિક સશસ્ત્ર સેના ધ્વજ દિને ઉમદા હાથે અનુદાન આપીને સૈન્યના જવાનોના કલ્યાણ માટે પોતાની નૈતિક ફરજ અદા કરે તેમ તેઓએ અપીલ કરતા જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!