AHAVADANGGUJARAT

આહવા મુખ્ય માર્ગ પર દબાણ હટાવ ઝુંબેશમાં નાના વેપારીઓમાં મુશ્કેલી, વેપારી એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત.

વાત્સલ્યમ સમાચાર

   વાંસદા ડાંગ

ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે સરકારી તંત્ર દ્વારા મુખ્ય માર્ગ પર ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ સઘન રીતે ચાલુ કરવામાં આવી છે.આ કાર્યવાહીના પગલે માર્ગો ખુલ્લા અને અવરજવર માટે સરળ બની રહ્યા છે, પરંતુ તેની સીધી અસર મુખ્યત્વે નાના અને લારી-ગલ્લાવાળા વેપારીઓ પર પડી છે,જેના કારણે ધંધા-રોજગારને લઈને વેપારી આલમમાં ભારે મુશ્કેલી અને હેરાનગતિ જોવા મળી રહી છે.આહવાનાં મુખ્ય માર્ગ પરથી વર્ષોથી થયેલા દબાણોને દૂર કરવાની કાર્યવાહીથી અનેક નાના વેપારીઓને પોતાનો ધંધો ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દબાણો દૂર થતાં નાના-મોટા વેપારીઓને તેમની રોજીરોટી કમાવવા માટેની જગ્યા છીનવાઈ ગઈ છે, જેના કારણે તેઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.વેપારીઓનું કહેવું છે કે આ ઝુંબેશને કારણે તેમનો ધંધો ખોરવાઈ ગયો છે.અને વૈકલ્પિક જગ્યાના અભાવે તેઓએ ક્યાં જવું તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે.આ પરિસ્થિતિના નિરાકરણ માટે, આહવા વેપારી એસોસિએશનના પ્રમુખ હરિરામભાઈ સાંવત, તેમજ જિલ્લા સિંચાઈ સમિતિ નાં ચેરમેન હરીશભાઈ બચ્છાવની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વેપારીઓએ એકજૂથ થઈને આહવાના પ્રાંત અધિકારીની મુલાકાત લીધી હતી.આ બેઠકનો મુખ્ય હેતુ દબાણ હટાવ ઝુંબેશથી નાના વેપારીઓને પડી રહેલી હાલાકી અને ધંધા કરવા માટે સર્જાતી તકલીફો અંગે રજૂઆત કરવાનો હતો.ડાંગ જિલ્લા પ્રાંત અધિકારીએ વેપારી એસોસિએશનના સભ્યોની રજૂઆતને સાંભળ્યા બાદ, સરકારી વલણ સ્પષ્ટ કર્યું હતુ.તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતુ કે આ કાર્યવાહી ઉપરથી મળેલા આદેશોના ભાગરૂપે કરવામાં આવી રહી છે.પ્રાંત અધિકારીએ જણાવ્યું હતુ કે, સરકારી જગ્યા પર જે દબાણો વર્ષોથી થયા છે, તે દૂર કરવા અનિવાર્ય છે. તંત્ર દ્વારા આ દબાણકર્તાઓને અગાઉ ઘણીવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં, અમુક જગ્યાએથી હજુ સુધી દબાણ હટાવવામાં આવ્યું નહોતું, જેના કારણે કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી બની હતી. આ ઝુંબેશ ખાસ કરીને સરકારી જમીન પરના ગેરકાયદેસર અને વારંવાર નોટિસ આપવા છતાં ન હટાવેલા દબાણો પર કેન્દ્રિત છે.વેપારી એસોસિએશન દ્વારા નાના વેપારીઓને ધંધા માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે અથવા તેમને ઓછામાં ઓછી હેરાનગતિ થાય તે માટે ઝુંબેશમાં રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.નાના વેપારીઓ માટે રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે, ત્યારે વેપારી એસોસિએશન અને સ્થાનિક તંત્ર વચ્ચે સુમેળભર્યો ઉકેલ ક્યારે આવશે તે જોવું રહ્યુ ત્યારે વધુમાં પ્રાંત અધિકારી કાજલ આંબલીયા એ જણાવ્યુ હતુ કે, “કોઈ પણ પડતર જગ્યા આહવા ખાતે હોય તો બતાવો જેથી વહીવટી તંત્ર દ્વારા બનતી કોઈ પણ વ્યવસ્થા કરાશે ,અમારો કોઈ ઉદ્દેશ નથી ગરીબ જનતાને હેરાન કરવાનો.”જ્યારે વેપારી એસોસિએશનના પ્રમુખ હરિરામભાઈ સાંવતનાં જણાવ્યા મુજબ આહવા ખાતેની અમુક જગ્યાઓ જે પડતર છે ,એ જગ્યાના દિશા નિર્દેશોનું સૂચન પ્રાંત અધિકારીને જણાવવા વેપારીઓ સાથે વાતો કરી છે,જ્યાં સુધી નાનામાં નાના વેપારીને પોતાનો ધંધો કરવા જગ્યા નહિ મળે ત્યાં સુધી તમામ વેપારીઓ સાથે ખભેથી ખભો મેળવી ન્યાય આપવા તત્પરતા દાખવશે..

Back to top button
error: Content is protected !!