ભરૂચ: SOGએ MD ડ્રગ્સ અને અફીણનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.1.90 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એસ.ઓ.જી.ની. ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના ચાવજ ગામની સીમમાં આવેલ અનુજ રેસિડન્સી–A-304માં રેડ પાડવામાં આવી હતી.
“NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત ભરૂચ SOGએ મોટી સફળતા મેળવી છે. એસ.ઓ.જી.ની.ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના ચાવજ ગામની સીમમાં આવેલ અનુજ રેસિડન્સી–A-304માં રેડ પાડવામાં આવી. તપાસ દરમિયાન ત્યાં ભાડે રહેતા ત્રણેય રાજસ્થાનના આરોપીઓ પોતાના કબજામાં ગેરકાયદેસર મેફેડ્રોન (MD) અને અફીણ (ઓપીએટ) રાખી તેને નફા માટે વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી. મૂળ રાજસ્થાનના જોધપુર અને પાલી વિસ્તારોના રહેવાસી આરોપીઓ નશીલા પદાર્થો સંજય બિશ્નોઇ નામના વોન્ટેડ સપ્લાયર પાસેથી લાવી ભરૂચ જિલ્લામાં છૂટક વેચાણ કરતા હતા. પોલીસે શ્રવણકુમાર મનોહરરામ બિશ્નોઇ – ખીલેરીયો કી ધાણી, જોધપુર, મહિપાલ કૃષ્ણારામ બિશ્નોઇ – ઝાંગુસર, પાલી અને પ્રદીપ રાજુરામ બિશ્નોઇ – ફલોદી વિસ્તાર, રાજસ્થાનની ધરપકડ કરી હતી. આ મામલામાં પોલીસે મેફેડ્રોન 35.27 ગ્રામ – કિંમત રૂ. 1,05,810 અને અફીણ (27.28 ગ્રામ) – કિંમત રૂ. 13,640 સહિત કુલ રૂ. 1,90,350 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.




