
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગના પ્રજાજનોને આ સર્વરોગ તબીબી સારવાર કેમ્પનો લાભ લેવા આયોજકોનો અનુરોધ
તા: ૭: ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવા ખાતે કાર્યરત ‘વનબંધુ આરોગ્ય ધામ’ ખાતે મેગા મેડિકલ કેમ્પનુ આયોજન કરાયુ છે.
તા. ૯ થી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન આયોજિત આ કેમ્પમા દેશ વિદેશના તબીબો ડાંગ જિલ્લાના જરૂરિયાતમંદ દર્દીઓની વિનામૂલ્યે સેવા સુશ્રુષા કરશે.
વનબંધુ આરોગ્ય ધામના સંચાલિકા ડો.નિરાલી અશોકભાઈ પટેલે, ડાંગ જિલ્લાના ખાસ કરીને ગ્રામીણ પ્રજાજનોને વિનામૂલ્યે આયોજિત આ સર્વરોગ તબીબી સારવાર કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
કેમ્પની વિગતો આપતા ડો. નિરાલી પટેલે કહ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અમેરિકા સ્થિત નોવા સાઉથ ઈસ્ટર્ન યુનિવર્સિટી, ફ્લોરિડા તથા ડો. કિરણ સી. પટેલ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ, અને શ્રી કાંતિલાલ જે. પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, વલસાડના સૌજન્યથી સતત દસમા વર્ષે આ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ આયોજિત કરવામાં આવી રહ્યો છે.
જેમાં ખાસ કરીને આંખના પડદાના સ્પેશ્યાલિસ્ટ તબીબ સહિત ચામડીના સ્પેશ્યાલિસ્ટ, અને સોનોગ્રાફી માટે રેડિયોલોજિસ્ટની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત ફ્લોરિડાની યુનિવર્સિટીના જુનિયર અને સિનિયર તબીબો સાથે સ્થાનિક તબીબો પણ જરૂરિયાતમંદ દર્દીઓની સેવા અને સુશ્રુષા કરશે.
તા. ૯ થી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન દરરોજ સવારે ૯:૩૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી વનબંધુ આરોગ્ય ધામ, આદર્શ સોસાયટીની પાછળ, મિશનપાડા, આહવા ખાતે આયોજિત આ કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લેવાનો પણ ડો.નિરાલી પટેલે અનુરોધ કર્યો છે.




