
વાત્સલ્યમ્ સમાચાર – મુંદરા કચ્છ.
🛑 મુંદરામાં વ્યસનમુક્તિ માટે કડક ઝુંબેશ : એસ.ટી. બસ સ્ટેન્ડ પર તમાકુ સેવન અને વેચાણકર્તાઓ સામે તંત્રનો સપાટો
મુંદરા, તા. 8 : જાહેર સ્વાસ્થ્ય જાળવવાના ઉદ્દેશ્યથી આજે મુંદરા એસ.ટી. બસ સ્ટેન્ડ વિસ્તાર સહિતના મુખ્ય જાહેર સ્થળો પર તમાકુ નિયંત્રણ કાયદા (COTPA-2003) હેઠળ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી જાહેર સ્થળોએ વ્યસન કરનારા અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ તમાકુ ઉત્પાદનોનું વેચાણ કરનારાઓમાં ભય અને ગંભીર ચેતવણીનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો.
આ સમગ્ર અભિયાન મુંદરા તાલુકા આરોગ્ય અધિકારી ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતો અને પોલીસ ઇન્સ્પેક્ટર આર. જે. ઠુંમરના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. શ્રેષ્ઠીબેન ગોસ્વામીની આગેવાની હેઠળ સુપરવાઈઝર પ્રકાશ ઠક્કર, જીગ્નેશ પંચાલ, જીગર મહેશ્વરી અને પોલીસ વિભાગના હરદેવસિંહ પી. ગોહિલની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમે જાહેર સ્થળો પર બીડી – તમાકુનું સેવન કરતાં લોકોને કલમ ૪ હેઠળ દંડ કર્યો હતો તેમજ શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર વેચાણ કરતા દુકાનદારો સામે કલમ ૬(બ) હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઝુંબેશને સફળ બનાવવા માટે મુંદરા એસ.ટી. ડેપો મેનેજર વિશાલપુરી ગોસ્વામી દ્વારા પૂરતો સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. ડેપો મેનેજરે ખાતરી આપી હતી કે ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે આ પ્રકારના જનજાગૃતિ અને કાયદાના પાલનના કાર્યક્રમો યોજાશે ત્યારે તેમના વિભાગ દ્વારા તમામ જરૂરી સહકાર આપવામાં આવશે. ડૉ. યોગેન્દ્ર પ્રસાદ મહતોએ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક દિવસની કાર્યવાહી નથી પરંતુ મુંદરા તાલુકાને સંપૂર્ણપણે વ્યસનમુક્ત કરવા માટે ભવિષ્યમાં પણ આવી કડક કાર્યવાહીઓ સતત ચાલુ રહેશે. તંત્રનો આદેશ સ્પષ્ટ છે કે જાહેર સ્વાસ્થ્યના નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિને સાંખી લેવામાં આવશે નહીં.
આ કાર્યવાહી દરમિયાન મુસાફરોમાં પણ હકારાત્મક પ્રતિભાવ જોવા મળ્યો હતો જ્યાં ઘણા લોકોએ એવો ગણગણાટ વ્યક્ત કર્યો હતો કે જો તમાકુના ઉત્પાદન પર જ કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે તો લાખો લોકોના સ્વાસ્થ્યનું રક્ષણ થઈ શકે.
આ કાર્યવાહી દરમિયાન ટીમે તમાકુ ઉત્પાદનોના પેકેજિંગ પર જાહેર સ્વાસ્થ્યની ચેતવણી આપતા ચિત્રોને જાણી જોઈને અસ્પષ્ટ છાપવાની ગંભીર બેદરકારી નોંધી હતી. કાયદા મુજબ તમાકુની બનાવટ પર ભય પેદા કરે તેવા ચિત્રો અને ચેતવણીઓ સ્પષ્ટપણે છાપવી ફરજિયાત છે. જોકે તપાસમાં જાણવા મળ્યું છે કે અમુક કંપનીઓ દ્વારા આ ચિત્રો પર માત્ર સlહીથી કલર કરીને છાપવામાં આવે છે જેથી તે સ્પષ્ટ રીતે દેખાય નહીં અને ચેતવણીનો હેતુ નિષ્ફળ જાય. (સાથે જોડાયેલ તસવીરમાં આ ઉલ્લંઘન સ્પષ્ટપણે જોઈ શકાય છે.) તંત્ર દ્વારા આ ગંભીર બાબતની નોંધ લેવામાં આવી છે આ વિશે વિસ્તૃત તપાસ થાય અને જવાબદાર કંપનીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાય તે જરૂરી છે.





વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




