દેશના 4 રાજ્યોમાં ઠંડીની લહેર તો 3 રાજ્યમાં વરસાદ : હવામાન વિભાગની ચેતવણી

ભારતના ઉત્તરથી લઈને પૂર્વ અને મધ્ય પ્રદેશ સુધી રવિવારે ઠંડીનું મોજું છવાયું રહ્યું. અનેક રાજ્યોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું નોંધાતા લોકો ઠંડીથી પરેશાન બન્યા છે. હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે પણ ઠંડી, ધુમ્મસ અને વરસાદની ચેતવણીઓ આપી છે.
જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં તીવ્ર ઠંડીના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 3 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ઉતર્યું. દિલ્હીમાં પણ રવિવારે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી ઓછું હતું. દિલ્હીમાં પ્રદૂષણની પરિસ્થિતિ ‘ખૂબ જ ખરાબ’ રહી, 24 કલાકનો સરેરાશ AQI 308 નોંધાયો. આગામી 72 કલાકમાં તાપમાન વધુ 3 થી 4 ડિગ્રી ઘટવાની આગાહી છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન વાદળછાયું રહ્યું. 8 ડિસેમ્બરે ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી હિમવર્ષાની શક્યતા વ્યક્ત થઈ છે. હિમાચલના ભાકરા ડેમ વિસ્તાર અને મંડિ જિલ્લાના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસ માટે યલો ચેતવણી આપવામાં આવી છે.
પંજાબમાં ફરીદકોટ સૌથી ઠંડું રહ્યું, જ્યાં તાપમાન 4.4 ડિગ્રી, જ્યારે હરિયાણાના નારનૌલમાં 4.6 ડિગ્રી નોંધાયું. ચંદીગઢમાં લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી હતું. હરિયાણાના ભિવાની, હિસાર, સિરસા અને કરનાલમાં પણ તાપમાન 6–7 ડિગ્રી વચ્ચે રહ્યું.
રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો. સીકરના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન 3.5 ડિગ્રી નોંધાયું. બિકાનેરની લૂકરનસર, દૌસા, ચુરુ અને ઝુનઝુનુમાં પણ તાપમાન 5 થી 7 ડિગ્રી વચ્ચે રહ્યું. આગામી દિવસોમાં નબળા પશ્ચિમી વિક્ષેપને કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, જેના કારણે ઠંડીથી થોડી રાહત મળી શકે છે.
ઝારખંડના અનેક જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ઉતર્યું. ગુમલામાં પારો 3.5 ડિગ્રી, ખૂંટીમાં 5 ડિગ્રી અને રાંચીમાં 7.5 ડિગ્રી નોંધાયું. ડાલ્ટનગંજ અને જમશેદપુરમાં પણ તાપમાન સતત ઘટી રહ્યું છે. બિહારના મોટાભાગના વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડીનો કહેર રહ્યો.
મેદાની વિસ્તારોમાં આ સીઝનમાં પ્રથમવાર લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું. શાંતિનિકેતનમાં 9.8 ડિગ્રી નોંધાયું. દાર્જિલિંગ 6.2 ડિગ્રી સાથે સૌથી ઠંડું અને કાલિમપોંગ 10.5 ડિગ્રી સાથે સૌથી ગરમ પહાડી સ્થળ રહ્યું.
તમિલનાડુ, આંધ્રપ્રદેશના દક્ષિણ દરિયાકાંઠા અને બેંગલુરુમાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વોત્તર રાજ્યોમાં આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 8 થી 12 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. ઓડિશા અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં પણ ધુમ્મસની સંભાવના વ્યક્ત થઈ છે. IMD અનુસાર, આવતા 3–4 દિવસોમાં પશ્ચિમ ભારતમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થશે.




