વાગરા: સાયખા GIDCની અલકેમી ફાઇનકેમ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ, સુરક્ષા બેદરકારીએ કર્મચારીઓને ગંભીર ઈજા પહોંચાડી


સમીર પટેલ, ભરૂચ
વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી અલકેમી ફાઇનકેમ કંપનીમાં આજે ગંભીર અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. કંપનીમાં અચાનક બોઈલર ફાટતા આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. નજીકમાં કામ કરતા કર્મચારીઓને કેમિકલ લાગવાથી તેમની હાલત ગંભીર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેનો ધ્રુજારી અનુભવાઈ હતી. બોઈલર ફાટતાની સાથે જ ઘટના સ્થળે હાજર કર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગયા હતા. ઘટનામાં 2 જેટલા લોકોની હાલત ગંભીર થઈ હતી. ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક અકસ્માતોની આ સિલસિલો યથાવત રહેતા ઉદ્યોગોમાં સુરક્ષાના ધોરણો સામે ગંભીર સવાલો ઉભા થયા છે. વારંવાર બનતી આ ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે કંપનીઓ દ્વારા કામદારોના જીવના જોખમે સુરક્ષાની ગંભીર બેદરકારી રાખવામાં આવી રહી છે. ફેક્ટરી મેનેજમેન્ટની આ પ્રકારની ઘોર લાપરવાહીના કારણે નિર્દોષ શ્રમિકોએ ભોગવવું પડી રહ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર અને મામલતદાર અધિકારી સહિત વહીવટી અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ છે. તંત્ર દ્વારા આ ગંભીર અકસ્માત માટે જવાબદાર કંપની મેનેજમેન્ટ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો અને કામદાર યુનિયનો દ્વારા માગણી ઉઠી છે.



