MORBI:મોરબી બંદૂક સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર યુવક સામે પરવાનેદાર સહિત વિરુદ્ધ કાર્યવાહી

MORBI:મોરબી બંદૂક સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર યુવક સામે પરવાનેદાર સહિત વિરુદ્ધ કાર્યવાહી
બંદૂક સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ ઉપર વાયરલ કરનાર યુવક સામે મોરબી એસ.ઓ.જીએ કાર્યવાહી કરી છે. હથિયાર પરવાનેદાર સહિત બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ સાથે બન્ને આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
મોરબી જીલ્લામાં સોશ્યલ મીડિયા મારફતે સમાજમાં ભયનું વાતાવરણ ઉભું કરવાની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. મોરબીએ સોશિયલ મીડીયા પર ખાસ નજર રાખી હતી. આ દરમિયાન “mr_durvesh_12” નામની ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પરથી બારબોર ડબલ બેરલ હથિયાર સાથેના ફોટા અપલોડ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. જેથી એસ.ઓ.જી. ટીમે આ એકાઉન્ટના ધારકની ઓળખ મેળવી તપાસ કરતાં દુર્વેશ મહેબુબભાઈ માથકિયા રહે. વાંકાનેર વિસ્તારમાં મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે આશરે બે વર્ષ અગાઉ રાણેકપર ગામે તેના કાકા અલ્તાબભાઈ હુશેનભાઈ માથકિયા પાસે પાક સંરક્ષણ માટે લાયસન્સ ધરાવતા ડબલ બેરલ હથિયાર સાથે ફોટો પાડીને તે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. પર અપલોડ કર્યો હતો. આ પ્રકારની પોસ્ટ દ્વારા સમાજમાં અતિશય ભય ફેલાવવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવતા બંને સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલે એસઓજી પોલીસ ટીમે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી દુર્વેશ મહેબુબભાઈ માથકિયા અને પરવાનેદાર અલ્તાબભાઈ હુશેનભાઈ માથકિયા વિરૂદ્ધ આર્મ્સ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






