સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ તાલુકાના હલદરવા ગામે નિર્માણ પામેલ સરદાર સ્મૃતિ વનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


સમીર પટેલ, ભરૂચ
દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.વિધાનસભા દીઠ યુનિટી માર્ચનું આયોજન કરાયા બાદ હવે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા દરેક વિધાનસભામાં એક સરદાર સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભરૂચ વિધાનસભામાં ભરૂચ તાલુકાના હલદરવા ગામ ખાતે સરદાર સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાઓને એકત્રિત કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું ત્યારે આ સ્મૃતિ વનમાં 19 જાતના 562 વૃક્ષો વાવવામાં આવ્યા છે. સાથે જ મેપ દ્વારા તમામ રજવાડાઓની માહિતી પણ આપવામાં આવી છે. આવનાર પેઢી સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને હંમેશ માટે યાદ રાખે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આજરોજ યોજાયેલા લોકાર્પણ સમારોહમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.બી.ડાભી, હલદરવા ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



