નવજીવન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ભાટ ઈકો ટુરીઝમ સેન્ટર ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પ્રકૃતિના શિક્ષણ અને જતન માટે હાલોલ તાલુકાના તલાવડી (વેડ) ગામે આવેલી નવજીવન હાઈસ્કૂલના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ જાંબુઘોડા અભયારણ્યની શિવરાજપુર રેન્જ હેઠળના ‘ભાટ ઈકો ટુરીઝમ સેન્ટર’ની મુલાકાત લીધી હતી.
આ એક દિવસીય વન શિબિરનું આયોજન વડોદરાથી ૭૦ કિમી દૂર આવેલા આ સ્થળે કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન ફોરેસ્ટ ઓફિસરો પૃથ્વીસિંહ ચૌહાણ, દક્ષાબેન અને ગાઈડ પ્રતાપ બારીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ટ્રેકિંગ, વૉકિંગ અને વનભોજનની મજા માણી હતી.
અધિકારીઓએ માહિતી આપી હતી કે ૧૩૦ ચો.કિમી.માં ફેલાયેલું આ અભયારણ્ય સાગ, મહુડો, ખેર અને વાંસ જેવા વૃક્ષોથી ભરેલું છે. આ જંગલ ખાસ કરીને દીપડા, નીલગાય, હરણ અને રીંછ જેવા અનેક વન્યજીવોનું ઘર છે. કડા ડેમ અને તરગોળ ડેમ અહીંની સુંદરતામાં વધારો કરે છે. વિદ્યાર્થીઓને હાથણી માતા અને ઝંડ હનુમાન જેવા સ્થળોની પણ જાણકારી આપવામાં આવી હતી.
દિવસના અંતે, મુખ્ય ફોરેસ્ટ ઓફિસર સુખરામ રાઠવાએ વિદ્યાર્થીઓને જંગલની પેદાશો, વૃક્ષોની ઉપયોગિતા અને વન્યજીવોના જતનનું મહત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પ્રકૃતિના અનુભવને ખૂબ સરાહનીય ગણાવ્યો હતો.






