ભરૂચના મકતમપુર સ્થિત જ્ઞાન સાધન આશ્રમમાં ભરૂચ – નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તા. 18 થી 24 ડિસેમ્બર સુધી પ્રજ્ઞાચક્ષુ કથાકાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી

સમીર પટેલ, ભરૂચ
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે.આ અંગેની માહિતી આપવા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ભરૂચના મકતમપુર રોડ ઓમકારેશ્વર મંદિરની બાજુમાં, અંધજન કાર્યાલય જ્ઞાનસાધન આશ્રમ મેદાનમાં બપોરે 3 થી 6 કલાક કથા યોજાશે.દેશ વિદેશમાં 400 થી પણ વધુ કથાઓ કરનાર, સોલા ભાગવત વિધાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત શ્રીમદ્ ભાગવત પર પી.એચ.ડી થયેલા વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૂણાલભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં અંધજન મંડળના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ, ફંડ રેઇઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા,નરેશ ઠક્કર, સુરેશ આહીર,ગોપાલ શાહ, કનુ પરમાર સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચ અને નર્મદા જિલ્લાનાં પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઇપણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવાઓ વિસ્તારવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા, અંધકારમાં પ્રકાશની જ્યોત પ્રગટાવવાના આશ્રયથી પોતાનું મકાન બાંધવા અને કાયમી પ્રવૃત્તિ કરવા સંકલ્પ લઈ આગળ ધપી રહી છે. આવી જ એક કડી રૂપે સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરાયું છે.



