
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ : મુંદરાની પીટીસી કોલેજમાં 121 તાલીમાર્થીઓની પાંડુરોગ (એનીમિયા) તપાસ કરવામાં આવી
મુંદરા,તા. 12: શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુંદરાના મેડિકલ ઓફિસર ડો. શ્રેષ્ઠીબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર મુંદરા-5 દ્વારા પી.ટી.સી. કોલેજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત “એનીમિયા મુક્ત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી કોલેજમાં અભ્યાસ કરતી કુલ 121 તાલીમાર્થીઓની પાંડુરોગ (એનીમિયા) માટેની તપાસ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં એડોલેસન હેલ્થ કાઉન્સિલર મહેન્દ્રભાઈ વાઘેલાએ કિશોરીઓને પોષણયુક્ત આહાર, વિટામિન અને મિનરલ્સનું મહત્વ સમજાવી કિશોર અવસ્થામાં આવતા શારીરિક બદલાવો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ફિમેલ હેલ્થ સુપરવાઈઝર કમળાબેન ફફલે પાંડુરોગને અટકાવવા માટે લોહતત્વ (આયર્ન ફોલિક એસિડ)ની ગોળીઓનું નિયમિત સેવન અને તેના મહત્વ વિશે સમજ આપી હતી.
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અંજલિબેન કટારાએ ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય માટે અગત્યના એવા માસિક સ્વચ્છતા અને સેનેટરી પેડ્સના યોગ્ય ઉપયોગ તેમજ તેના સુરક્ષિત નિકાલની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ એનીમિયા તપાસણી અભિયાનમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અનિતાબેન પરમાર, પંકજ તાવીયાડ, પાર્થ અમીન તેમજ આરોગ્ય કાર્યકર માધુરીબેન પરમાર, જીગ્નેશભાઈ પંચાલ અને જીગરભાઈ મહેશ્વરીએ સક્રિય સહયોગ પૂરો પાડ્યો હતો.
અંતમાં કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્રભાઈ કુબાવતે આરોગ્ય વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને મુંદરાની એકમાત્ર પીટીસી કોલેજની વિદ્યાર્થીનીઓના હાઈજિન માટે સંસ્થા વતી એક મહત્વપૂર્ણ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ કંપની દ્વારા સેનેટરી પેડ ડિસ્ટ્રોય મશીન કોલેજને ભેટ આપવામાં આવે તો તે મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે એક ઉમદા અને પ્રશંસનીય કાર્ય ગણાશે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com












