
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લીના વાત્રકના શિવશક્તિ સખી મંડળની નિશાબેન પટેલ.કલાના રંગે રંગાયેલી સફળતાની પ્રેરણા..
*ઘરઆંગણેથી ઓનલાઇન બજાર સુધી…..વાત્રકની નિશાબેન પટેલની ચમકતી સફળતા*
*નિશાબેન પટેલે ફેબ્રિક જ્વેલરીથી લખી આત્મનિર્ભરતાની નવી વાર્તા..સખી મંડળથી સ્વાવલંબન સુધી*
ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાત્રકમાં રહેતા નિશાબેન પટેલ આજે એક એવું નામ છે જે ગામની દરેક મહિલા માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. શિવશક્તિ સખી મંડળની સક્રિય સભ્ય નિશાબેન પટેલ પોતાના ઘરેથીજ ફેબ્રિક જ્વેલરી અને હેન્ડમેડ બંગડીઓની એવી અદ્ભુત કલાકૃતિઓ બનાવે છે કે જોતાં જ નજર અટકી જાય. રંગબેરંગી ફેબ્રિકના ટુકડા, મણકા, દોરા અને થોડીક કલ્પનાશક્તિ બસ આટલું જ છે નિશાબેનનું સાધન અને આ જ સાધનથી તેઓ આજે પોતાના શોખને કમાણીનો મજબૂત આધાર બનાવી ચૂક્યા છે.આજે નિશાબેન ઘરઆંગણે બેઠાં-બેઠાં આકર્ષક ફેબ્રિક જ્વેલરી, હેન્ડમેડ બંગડીયો, બુટ્ટી, નેકલેસ સેટ તેમજ અવનવી ડિઝાઇનની જ્વેલરી બનાવીને ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે વેચાણ કરી રહ્યાં છે. તેમની આ કલાત્મક હુન્નર આજે તેમના પરિવારની આર્થિક પ્રગતિનું મજબૂત આધારસ્તંભ બની છે.
નિશાબેનની આ કળા કોઈ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે કોચિંગ ક્લાસમાંથી નથી આવી. તેમણે આ કળા શીખી છે પોતાની માતાના પાસેથી ઘરના આંગણે અને આજે એ જ કળા શિવશક્તિ સખી મંડળના પ્લેટફોર્મ ઉપર ફૂલી-ફાલીને ફળી રહી છે. માત્ર છ મહિના પહેલાં જે કામ શરૂ કર્યું એ કામ આજે નિશાબેનને ઘરબેઠાં એક સન્માનજનક આવક આપી રહ્યું છે.અને તેમણે આશા છે કે વધારે ને વધારે લોકો આ જવેલરી ખરીદે અને
અરવલ્લી જિલ્લામાં આજે અનેક સખી મંડળોની મહિલાઓ પોતાની કળા, હુન્નર અને મહેનતથી આર્થિક રીતે સ્વાવલંબી બની રહી છે. કોઈ મસાલા બનાવે છે, કોઈ અથાણું, કોઈ હેન્ડીક્રાફ્ટ અને કોઈ દર્જીકામ …પરંતુ દરેકનું લક્ષ્ય એક જ છે.ઘરની ચાર દીવાલોની બહાર નીકળીને પોતાની ઓળખ બનાવવી.નિશાબેન જેવી અનેક મહિલાઓની આ સફળતા એ જ બતાવે છે કે જ્યારે સરકારની નીતિઓ છેવાડાના ઘર સુધી પહોંચે છે અને ત્યાંની મહિલાઓને પોતાની ક્ષમતા પર વિશ્વાસ આવે, ત્યારે ગામડું પણ શહેર બની જાય છે અને ઘરઆંગણું પણ બજાર બની જાય છે.ગુજરાત સરકાર અને ગ્રામ વિકાસ એજન્સીઓ દ્વારા છેવાડાના ગામડાઓ સુધી પહોંચીને મહિલાઓને તાલીમ, બજાર અને બેંક લિંકેજની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ પ્રયાસોનું પરિણામ આજે આપણી સામે છે.નિશાબેન જેવી હજારો મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે મજબૂત બની રહી છે અને પોતાના પરિવાર તેમજ સમાજને ગૌરવ અપાવી રહી છે.




