Rajkot: ભૂલી પડેલી બાળાનું માતા સાથે સુખદ મિલન કરાવતી અભયમ હેલ્પલાઇન

તા.૧૨/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
માતા સાથે હોસ્પિટલ જતાં એકલી પડી ગયેલી નેપાળી પરિવારની બાળા માટે રીક્ષાચાલક મદદરૂપ બન્યા
Rajkot: બાળકો કે મહિલાઓને પડતી મુશ્કેલીમાં હંમેશા કુશળ કાઉન્સેલિંગ દ્વારા મદદરૂપ બનવાનું શ્રેય અભયમ ટીમને જાય છે. હાલમાં બનેલા એક કિસ્સામાં ૧૮૧ પર નાની બાળકી એકલી હોવાનો કોલ મળ્યો હતો. આથી રાજકોટ તાલુકા ૧૮૧ ટીમ બાળકીની મદદ માટે રવાના થઈ હતી. સ્થળ પર પહોંચીને જાગૃત નાગરિક સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું કે આ બાળકી અંદાજિત ૧-૨ કલાક થયા અહીં ઊભી છે. તે રડતી હોવાથી ૧૮૧ માં કોલ કરેલ છે. ૧૮૧ ટીમે રડતી અને ડરેલી દીકરીને શાંત કરી પૂછપરછ કરતા બાળકીએ તેનું અને માતા પિતા નું નામ જણાવ્યું હતું.
બાળકી માતા પિતા અને દાદી સાથે રહે છે. થોડા કલાક પહેલાં માતા સાથે હોસ્પિટલ જવા ઘરેથી નીકળી હતી, ત્યારબાદ વિખુટી પડી હોવાનું તેણીએ જણાવ્યું હતું.
દીકરીને ઘર અંગે પુછપરછમાં તેણીએ ગોપાલ ચોક અને મારુતિ દવાખાનાનું નામ બતાવ્યું હતું જ્યાં ટીમે પહોંચી વધુ તપાસ કરતા તેના માતાપિતા મળી આવ્યાં હતાં. માતાએ ટીમને જણાવ્યું હતું કે તેઓ નેપાળના વતની છે અને કામ અર્થે અહીંયા પરિવાર સાથે રહે છે.
દીકરી પરિવારની જાણ બહાર ઘરેથી માતાની પાછળ પાછળ નીકળી ગઈ હતી. જ્યાંથી ૧૮૧ ને રીક્ષા ચાલકે ફોન કર્યો હતો. ખરાઈ બાદ દીકરીને તેના માતાને સોંપી સુખદ મેળાપ કરાવ્યો હતો. પરિવારજનોએ ૧૮૧ ટીમનો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો.



