BUSINESS

ડિવિડન્ડ રૂપે સરકારને અત્યાર સુધીમાં રૂ.૪૧ હજાર કરોડથી વધુની આવક…!!

ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારને જાહેર ક્ષેત્રના સાહસો (CPSUs) મારફતે ડિવિડન્ડ સ્વરૂપે અત્યાર સુધીમાં રૂ. ૪૧,૩૭૮ કરોડની નોંધપાત્ર આવક પ્રાપ્ત થઈ છે. આ આંકડો બજેટમાં નિર્ધારિત વાર્ષિક રૂ. ૬૯,૦૦૦ કરોડના લક્ષ્યાંકના આશરે ૬૦ ટકા જેટલો થાય છે. જો કે, ડિવિડન્ડની હાલની આવક પાછલા વર્ષની સમાન અવધિની સરખામણીએ ઓછી રહી છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં CPSUs તરફથી રૂ. ૪૭,૩૩૮ કરોડનું ડિવિડન્ડ મળ્યું હતું, જે તે વર્ષની બજેટ અંદાજ રૂ. ૫૬,૨૬૦ કરોડના ૮૪ ટકા જેટલું હતું. સંપૂર્ણ નાણાંકીય વર્ષ ૨૦૨૫માં સરકારને ડિવિડન્ડ રૂપે રેકોર્ડ રૂ. ૭૪,૧૨૯ કરોડની આવક પ્રાપ્ત થઈ હતી.

નાણાંકીય વર્ષ ૨૦૨૬માં સરકાર આ લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, વર્તમાન વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ અને ડિવિડન્ડથી મળતી આવક વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે જીએસટી દરોમાં ઘટાડાને કારણે કેન્દ્ર સરકારની કર આવક બજેટ લક્ષ્યાંકથી ઓછી રહેવાની શક્યતા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાનો સીધો લાભ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મળ્યો છે. તેના પરિણામે ઓએનજીસી, ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ અને ગેઇલ જેવી કંપનીઓએ મજબૂત ડિવિડન્ડ ચૂકવ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ક્ષેત્રે નાણાંકીય વર્ષ ૨૦૧૬માં અત્યાર સુધીમાં રૂ. ૧૧,૩૪૦ કરોડ સાથે સરકારને સૌથી વધુ ડિવિડન્ડ આપનાર ક્ષેત્ર તરીકે સ્થાન મેળવ્યું છે.

કંપનીવાર જોવામાં આવે તો એનર્જી અને માઇનિંગ ક્ષેત્રની કંપનીઓ સરકારના ડિવિડન્ડ ઈન્ફલોમાં અગ્રેસર રહી છે. કોલ ઇન્ડિયા નાણાંકીય વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં રૂ. ૮,૧૩૨ કરોડ સાથે સૌથી વધુ ડિવિડન્ડ આપનાર કંપની બની છે. ત્યારબાદ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) રૂ. ૫,૩૭૧ કરોડ સાથે બીજા ક્રમે રહી છે. આ ઉપરાંત નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ તરફથી રૂ. ૩,૪૭૯ કરોડ, એનટિપીસી રૂ. ૩,૦૨૩ કરોડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન રૂ. ૨,૮૭૩ કરોડ, પાવર ગ્રીડ રૂ. ૨,૬૪૨ કરોડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન રૂ. ૨,૧૮૨ કરોડ અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન રૂ. ૧,૭૩૭ કરોડના ડિવિડન્ડ ફાળો મળ્યો હોવાનું આંકડાઓ દર્શાવે છે.

Back to top button
error: Content is protected !!