તહેવારોની મોસમ બાદ પણ નવેમ્બર માસમાં ઓટો ઉદ્યોગમાં માંગ ઊંચી…!!

તહેવારોની મોસમ પૂર્ણ થયા બાદ પણ નવેમ્બર મહિનામાં દેશના ઓટોમોબાઇલ ઉદ્યોગમાં માગ મજબૂત રહી હોવાનું સ્પષ્ટ થયું છે. વાહન ઉત્પાદક એકમો પાસેથી ડીલરોને ઊતારૂ વાહનો અને ટુ-વ્હીલર્સની રવાનગીના આંકડા નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. ઊંચી હોલસેલ ડિલિવરી દર્શાવે છે કે તહેવારો બાદ પણ ગ્રાહકોની ખરીદીની ગતિ જળવાઈ રહી છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સ (સીઆમ)ના જણાવ્યા મુજબ, નવેમ્બરમાં ઊતારૂ વાહનો અને ટુ-વ્હીલર્સ બંને કેટેગરીમાં દ્વીઅંકી વૃદ્ધિ નોંધાઈ છે. ગ્રાહકોના માનસમાં સુધારો તથા ગુડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી)માં કરવામાં આવેલા ઘટાડાને કારણે આ વૃદ્ધિને ટેકો મળ્યો હોવાનું ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
નવેમ્બર મહિનામાં ઊતારૂ વાહનોની હોલસેલ રવાનગી વાર્ષિક ધોરણે ૧૮.૭૦ ટકા વધીને ૪,૧૨,૪૦૫ એકમ પર પહોંચી હતી, જ્યારે ગયા વર્ષના સમાન મહિનામાં આ આંક ૩,૪૭,૫૨૨ એકમ રહ્યો હતો. કોઈપણ વર્ષના નવેમ્બર માટે આ અત્યાર સુધીનો સૌથી ઊંચો આંક હોવાનું સીઆમના ડેટામાં દર્શાવવામાં આવ્યું છે. આ જ રીતે, સ્કૂટર, મોટરસાયકલ અને મોપેડ સહિત ટુ-વ્હીલર્સની રવાનગીમાં પણ મજબૂત વધારો નોંધાયો છે. નવેમ્બરમાં ટુ-વ્હીલર્સની હોલસેલ રવાનગી ૨૧.૨૦ ટકા વધીને ૧૯,૪૪,૪૭૫ એકમ રહી હતી, જ્યારે ગયા વર્ષના નવેમ્બરમાં આ આંક ૧૬,૦૪,૭૪૯ એકમ રહ્યો હતો.
તહેવારો બાદ પણ માગ ટકી રહેવા પાછળ જીએસટીમાં ઘટાડો અને ગ્રાહકોના વિશ્વાસમાં થયેલો સુધારો મુખ્ય કારણ હોવાનું સીઆમના ડાયરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું. થ્રી-વ્હીલર્સ સેગમેન્ટમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું છે. નવેમ્બરમાં થ્રી-વ્હીલર્સની હોલસેલ રવાનગી વાર્ષિક ધોરણે ૨૧.૩૦ ટકા વધીને ૭૧,૯૯૯ એકમ રહી હતી. જો કે, ઇ-રીક્ષા સેગમેન્ટમાં થોડી નબળાઈ જોવા મળી છે. ગયા વર્ષના નવેમ્બરમાં ૧,૫૨૭ એકમની સરખામણીએ વર્તમાન વર્ષના નવેમ્બરમાં ઇ-રીક્ષાની રવાનગી ૨૫ ટકા ઘટીને ૧,૧૩૬ એકમ રહી છે. ઉદ્યોગ નિષ્ણાતોનું માનવું છે કે જીએસટીમાં ઘટાડો, ગ્રાહકોના માનસમાં સુધારો અને અનુકૂળ નાણાકીય પરિસ્થિતિને કારણે ૨૦૨૬ દરમિયાન પણ ઓટો ઉદ્યોગમાં વેચાણ વૃદ્ધિ જળવાઈ રહેવાની શક્યતા છે.



