બાંગ્લાદેશથી કામની લાલચ આપી દેહવ્યાપારમાં ઝોકવાના આંતરરાજ્ય રેકેટનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો

સમીર પટેલ, ભરૂચ
બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે આ મામલામાં 14 મહિલાઓને મુક્ત કરાવી 4 આરોપીઓની ધરપકડ કરી છે
બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહવ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં અંદાજે ૬૦ જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહવ્યાપાર માટે મોકલવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે આ બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ–અલગ રાજ્યોમાં મોકલવામાં આવતી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચના અલફારૂક પાર્ક સોસાયટીમાંથી બાંગ્લાદેશી 12 અને અન્ય 2 મળી કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે.આ દેહવ્યાપારના કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ફારૂક સોયેબ નાઝીમખાન સઇદખાન, રઇશ મહમદ રફીક શેખ અને સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝાનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું કે મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારુક શેખની પૂછપરછ દરમિયાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.તપાસ દરમિયાન ભરૂચના સ્પા અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમતી હોવાની માહિતી સામે આવી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા માટે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.



