
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
ધનસુરા : આકાર શિશુ વિહાર સ્કૂલમાં ધોરણ-૨ના વિદ્યાર્થીને અન્ય વિધાર્થીએ બ્લેડ મારી ઘાયલ કર્યો વાલી જગતમાં ભારે રોષ
શાળામાં નાના બાળકોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે..!!!
ધનસુરા સ્થિત આકાર શિશુ વિહાર સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ-૨ના એક વિદ્યાર્થીને શાળાના સમય દરમિયાન અન્ય વિદ્યાર્થી દ્વારા બ્લેડ (પતરી) મારવામાં આવતા બાળક ગંભીર રીતે ઘાયલ થયો હોવાની ઘટના સામે આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ, અયોધ્યાનગર સોસાયટી, ધનસુરા ખાતે રહેતા આશિષકુમાર કેશાભાઈના પુત્ર જેનિસ આશિષકુમાર આકાર શિશુ વિહાર સ્કૂલમાં ધોરણ-૨માં અભ્યાસ કરે છે. તા. 12/12/2025ના રોજ શાળાના સમય દરમિયાન અન્ય કોઈ વિદ્યાર્થી દ્વારા જેનિસને કમરથી નીચેના પીઠના ભાગમાં બ્લેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો.ઘટના બાદ શાળામાંથી વાલીને ફોન કરીને માત્ર “તમે શાળામાં આવો” એટલું જ જણાવવામાં આવ્યું હતું. તાત્કાલિક શાળાએ પહોંચેલા વાલીએ પોતાના પુત્રને લોહીલુહાણ હાલતમાં રડતો જોયો હોવાનું જણાવ્યું છે. ગંભીર સ્થિતિ હોવા છતાં શાળાના કોઈ શિક્ષક દ્વારા બાળકને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યું નહોતું, તેમજ ફોનમાં પણ બાળક ઘાયલ થયો છે તેવી માહિતી આપવામાં આવી નહોતી તેવુંવાલીએજણાવ્યુંહતું.વાલીએ પોતાના પુત્રને જાતે જ ડૉ. શિરીશભાઈ શાહના દવાખાને લઈ જઈ સારવાર કરાવી હતી. વધુમાં, શાળામાં ઘટનાને લઈ પૂછપરછ કરતાં આચાર્યાબેન હાજર ન હોવાનું તેમજ અન્ય શિક્ષકો દ્વારા “અમને કંઈ ખબર નથી” જેવા અયોગ્ય જવાબો આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ વાલીએ કર્યો છે.વાલીઓનું કહેવું છે કે શાળામાં અગાઉ પણ આવી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈને રજૂઆતો કરવા છતાં શાળા સંચાલન દ્વારા કોઈ ગંભીર પગલાં લેવાયા નથી. અન્ય વાલીઓએ પણ શાળાની સલામતી વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરી છે.આ સમગ્ર ઘટનાને લઈને વાલીએ વિવિધ કચેરીઓમાં લેખિત રજૂઆત કરી છે. જો યોગ્ય અને ન્યાયસભર નિરાકરણ નહીં આવે તો નિયામક, પ્રાથમિક શિક્ષણ વિભાગ ગાંધીનગર તથા શિક્ષણમંત્રી, ગુજરાત રાજ્ય સુધી રજૂઆત કરવાની ચીમકી પણ વાલીએ ઉચ્ચારી છે.શાળામાં નાના બાળકોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.




