
વાત્સલ્યમ્ સમાચાર,
પુજા ઠક્કર – મુંદરા કચ્છ.
🎒 કિલ્લોલ, કૌશલ્ય અને જ્ઞાનનો સંગમ : ગુંદાલા કન્યાશાળામાં ‘બેગલેસ ડે’ની ઉત્સાહભેર ઉજવણી
રતાડીયા,તા.14: ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે ‘ભાર વિનાનું ભણતર’ના સૂત્રને સાર્થક કરતા ‘બેગલેસ ડે’ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સર્જનાત્મકતા, ટીમભાવના, આત્મવિશ્વાસ અને શાળા પ્રત્યે સકારાત્મક વલણ વિકસાવવાનો રહ્યો છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાની ગુંદાલા કન્યાશાળામાં પણ આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય ભાવનાબેન મકવાણાના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા સ્ટાફ અને મુન્દ્રાની બી.એડ., કોમર્સ એન્ડ આર્ટસ તેમજ પી.ટી.સી. કોલેજના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર સહભાગી આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ દિવસે વિદ્યાર્થીનીઓએ દફ્તરનો ભાર છોડીને વિવિધ રમતગમત, બાળ મનોરંજન, કલા-કાર્ય અને જીવનકૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો જેનાથી શાળા આનંદનું કેન્દ્ર બની હતી. જિલ્લા બદલી થતાં શાળામાંથી વિદાય લેનાર શિક્ષિકા ઝલકબેન દ્વારા વિદ્યાર્થીનીઓને સ્નેહભર્યો પૌષ્ટિક નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ પ્રવૃત્તિઓ દ્વારા ભણતર માત્ર પુસ્તકો સુધી સીમિત ન રહેતાં જીવનકૌશલ્ય, ખુશી અને સર્વાંગી વિકાસ તરફ આગળ વધી રહ્યું છે – જે ખરા અર્થમાં નવી શિક્ષણ નીતિની ભાવનાને સાર્થક કરે છે. દિવસ દરમિયાન યોજાયેલી સ્પર્ધાઓના વિજેતાઓને પ્રોત્સાહિત કરાયા હતા. શિક્ષણ પ્રત્યે આનંદનો આ માહોલ એવો સર્જાયો હતો કે શાળાનો સમય પૂરો થયા બાદ પણ વિદ્યાર્થીનીઓને ઘરે જવાનું મન થતું નહોતું. ‘ઘરે જવું ગમતું નથી’ની ધૂન સાથે સૌએ કિલ્લોલ-મસ્તી કરી વાતાવરણને ઉત્સાહિત બનાવી દીધું હતું.



વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




