Rajkot: રાજકોટ ખાતે ૭૪ મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો સમાપન સમારોહ યોજાયો

તા.૧૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પોલીસ વિભાગના ઉત્કૃષ્ટ ખેલાડીઓએ રાષ્ટ્રીય ખેલ હોકીનું ગૌરવ વધાર્યું છે
ડી.જી.પી. શ્રી વિકાસ સહાય
વિજેતા ટીમ તેમ જ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને સન્માનિત કરાયા
પોલીસ હોકી ચેમ્પિયનશિપ: પુરુષ કેટેગરીમાં પંજાબ ટીમ-મહિલા કેટેગરીમાં એસ.એસ.બી. ટીમ વિજેતા
Rajkot: રાજકોટ ખાતે આયોજિત ૭૪ મી ઓલ ઇન્ડિયા હોકી ચેમ્પિયનશિપ – ૨૦૨૫-૨૬ નો આજરોજ ફાઈનલ મેચ બાદ ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ શ્રી વિકાસ સહાય, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ સમાપન સમારોહમાં વિજેતા ટીમો તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓનું શિલ્ડ, મેડલ્સ તેમજ મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું.
આ તકે ડી.જી.પી. શ્રી વિકાસ સહાય એ ટુર્નામેન્ટના સમગ્ર આયોજન બદલ ગુજરાત પોલીસ, રાજ્યના રમત ગમત વિભાગ અને રાજકોટની આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં હોકીની ગૌરવશાળી પરંપરા રહી છે. પોલીસ વિભાગમાંથી ઓલિમ્પિક સહિત અન્ય આંતરરાષ્ટ્રીય કક્ષાની ટુર્નામેન્ટમાં સહભાગી બનેલા અર્જુન એવોર્ડ સહિત વિજેતા ખેલાડીઓએ રાષ્ટ્રીય ખેલ હોકીનું ગૌરવ વધાર્યું છે.
તેઓએ સહર્ષ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે આયોજિત ચેમ્પિયનશિપમાં તમામ ખેલાડીઓની ઉચ્ચ કક્ષાની ખેલદિલીની ભાવનાને લીધે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા ખેલદિલીસભર વાતાવરણમાં સંપન્ન થઈ શકી છે.
દેશના અન્ય ભાગોમાંથી આવેલા ખેલાડીઓએ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે ખ્યાતનામ પોરબંદર અને દ્વારકા સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાત લઇ ગુજરાતના સાંસ્કૃતિક ધાર્મિક વારસાને અનુભવ્યો તે બદલ તેમણે બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ રાજ્ય સરકાર ઉપરાંત ઓલ ઇન્ડિયા પોલીસ કંટ્રોલ બોર્ડનો વિશેષ આભાર માન્યો હતો
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હોકી ચેમ્પિયનશિપમાં પુરુષમાં વિજેતા ટીમ પંજાબ તેમજ મહિલાઓમાં વિજેતા ટીમ એસ.એસ.બી. (સશસ્ત્ર સીમા બલના) ખેલાડીઓનું ટ્રોફી તેમજ મેડલ્સ પહેરાવી સન્માન કરાયું હતું. ચેમ્પિયનશિપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીઓ, બેસ્ટ ગોલકીપર, બેસ્ટ સ્ટ્રાયકર, બેસ્ટ ડીફેન્ડર સહિત વિવિધ ખેલાડીઓનું સન્માન કરાયું હતું.
ભારતીય ટીમમાં અર્જુન એવોર્ડ પુરસ્કૃત ઓલિમ્પિયન ખેલાડીઓ પંજાબનાશ્રી ધર્મવીરસિંહજી, આકાશદીપસિંહજી, સમશેર સિંગનુ વિશેષ સન્માન કરાયું હતું.
આજરોજ ચેમ્પિયનશિપ ફાઇનલમાં પુરુષોમાં આઈ.ટી.બી.પી. તેમજ મહિલાઓમાં સી.આર.પી.એફ. ટીમ રનર્સ અપ રહી હતી.
કાર્યક્રમના પ્રારંભે અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ ખેલાડીઓને આવકારતા જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારના સફળ આયોજનથી રાજકોટ ખાતે ટુર્નામેન્ટમાં ૧૧ દિવસ દરમિયાન ૧૯ રાજ્યો અને પાંચ કેન્દ્રીય સુરક્ષા દળોના લગભગ ૬૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. ૩૨ ટીમો વચ્ચે અલગ અલગ ૫૪ જેટલી મેચો રમાઈ હતી.
પોલીસ કમિશનરશ્રી બ્રજેશ કુમાર ઝા એ રાજકોટ ખાતે આયોજિત ટુર્નામેન્ટના સફળતાપૂર્વક આયોજનમાં તમામ સહયોગી સંસ્થાઓનો આભાર માન્યો હતો.
આતકે ડી.જી.પી. ક્રાઈમ ડો. કે. એલ. એન. રાવ, ગુજરાત સ્ટેટ આઇ.બી.ના વડા શ્રી રાજીવ આહિરે, રેન્જ આઇ.જી. શ્રી અશોકકુમાર યાદવ, એડિશનલ ડી.જી.પી. શ્રી પી. કે. રોશન, ડી.જી.પી. (આર્મસ યુનિટ) શ્રી રાજુ ભાર્ગવ, જેલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી વર્નીશા જોશી, શ્રીમતી બબીતા ઝા, ડી.સી.પી. શ્રી સહીત તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







