અંકલેશ્વરમાં પાંચ મોપેડમાંથી વિદેશી દારૂ ઝડપાયો:દીવા રોડ પરથી રૂ.3.04 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના દીવા રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સર્જન બંગ્લોઝમાં ઘરની બહાર પાર્ક કરેલી પાંચ મોપેડમાંથી પોલીસે કુલ રૂ. 3.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે દીવા રોડ પર આવેલા સર્જન બંગ્લોઝમાં રહેતો અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશકુમાર સુનેવવાલા પાંચ મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને છૂટક વેચાણ કરે છે.
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા હતા. પોલીસે અર્પિતના ઘરની બહાર પાર્ક કરેલી પાંચેય મોપેડની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 29 બોટલ મળી આવી હતી.
પોલીસે રૂ. 52,000ની કિંમતનો દારૂ અને પાંચ મોપેડ સહિત કુલ રૂ. 3.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે અર્પિત સુનેવવાલાની ધરપકડ કરી છે, જ્યારે તશ્વિન ધનેશકુમાર સુનેવવાલા અને મહેશ નામના બે ઇસમોને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.



