
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જિલ્લામાં પ્રાયોરિટી સેક્ટર માટે રૂા.૫,૯૧,૧૭૭.૪૯ લાખની ક્રેડિટ ક્ષમતાનો અંદાજ : ગત વર્ષ કરતા ૩૫.૬૭% નો નોંધપાત્ર વધારો
નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે નાબાર્ડ દ્વારા તૈયાર કરાયેલા પોટેન્શિયલ લિન્ક્ડ ક્રેડિટ પ્લાન (PLP)નું લોકાર્પણ જિલ્લા મેજીસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રે તથા નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ કર્યું હતું. આ બેઠકમાં ડીઆરડીએના ડાયરેકટર શ્રી ડી. એમ. પંડ્યા, (લીડ ડિસ્ટ્રિક્ટ ઓફિસર – RBI)ના શ્રી રાકેશ સોલંકી , (DDM – NABARD) શ્રી કેન્દરે નર્સિંગ મનિરાવ, (LDM) શ્રી મીઠિલેશ કુમાર ,(ડિરેક્ટર – RSETI) શ્રી મનોજ સુથાર સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને વિવિધ બેન્કોના જિલ્લા કો-ઓર્ડિનેટર્સ હાજર રહ્યા હતાં.
નાબાર્ડના PLP મુજબ નવસારી જિલ્લામાં પ્રાયોરિટી સેક્ટર હેઠળ કુલ રૂા. ૫,૯૧,૧૭૭.૪૯ લાખની ક્રેડિટ ક્ષમતાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જે ૨૦૨૫-૨૬ ની PLP રકમ (રૂા. ૪,૩૫,૭૨૮.૬૦) કરતા 35.67% અને જિલ્લા ACP રકમ (રૂા.૪,૪૨, ૨૦૨.૫૬) કરતા ૩૩.૬૮% જેટલો વધારો દર્શાવે છે. વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ અર્ધવર્ષમાં (QE સપ્ટેમ્બર-૨૦૨૫) જિલ્લામાં ACPના ૬૮% લક્ષ્યની સિધ્ધિ પ્રાપ્ત થઈ છે. PLPમાં કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ હિસ્સો નોંધાયો છે, જેમાં કોપ પ્રોડક્શન માટે રૂા.૯૨,૬૦૦.૭૬ લાખ (કુલ ફાર્મ ક્રેડિટનો ૩૭.૪૧%) તથા કૃષિ માટેના ટર્મ લોન માટે રૂા.૧,૪૧,૮૬૦.૨૯ લાખ (કુલ ફાર્મ ક્રેડિટનો ૫૭.૩૦% અને કુલ પ્રાયોરિટી સેક્ટરનો ૨૪%)નો અંદાજ મૂકાયો છે.
MSME ક્ષેત્ર માટે રૂા.૩,૦૯,૫૧૨.૬૪ લાખની ક્ષમતાનો અંદાજ મૂકાયો છે, જે કુલ પ્રાયોરિટી સેક્ટરનો ૫૨.૩૬% હિસ્સો ધરાવે છે. જ્યારે બાકીના રૂા.૪૭,૨૦૩.૮૦ લાખ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનિમલ હઝબન્ડ્રી–ફિશરીઝ માટે વર્કિંગ કેપિટલ, એક્સપોર્ટ, એજ્યુકેશન, હાઉસિંગ, રિન્યૂએબલ એનર્જી અને અન્ય ક્ષેત્રો માટે મૂલ્યાંકિત કરવામાં આવ્યા છે. PLP જિલ્લાની સમગ્ર વિકાસ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કાર્ય કરે છે, કારણ કે તે ACPનું આધારસ્તંભ બનતા સાથે સાથે જિલ્લા સ્તરે વિવિધ પ્રાયોરિટી સેક્ટરોમાં રહેલી સંભાવનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓ અને ભવિષ્યના જરૂરી હસ્તક્ષેપોને સ્પષ્ટ કરે છે.
ગુજરાત રાજ્ય માટે નાબાર્ડ દ્વારા તૈયાર કરાયેલ સ્ટેટ ફોકસ પેપર (SFP) નું 5 ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ તથા મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. SFP મુજબ રાજ્ય માટે કુલ રૂા.૬,૩૨,૭૬૬.૨૫ કરોડની ક્રેડિટ ક્ષમતાનો અંદાજ મૂક્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 28.39% વધુ છે. રાજ્ય માટે SFP, જિલ્લાવાર PLPના સંકલન પરથી તૈયાર થાય છે અને તે સમગ્ર રાજ્ય માટે માર્ગદર્શક દસ્તાવેજ તરીકે સેવા આપે છે.
નાબાર્ડ 1989થી જિલ્લાવાર PLP તૈયાર કરે છે, જે RBI દ્વારા સૂચિત પ્રાયોરિટી સેક્ટર માટેની તલસ્પર્શી ક્રેડિટ જરૂરિયાતો, ક્ષેત્રનિષ્ણાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખામીઓ અને રાજ્ય સરકાર તથા બેન્કિંગ સંસ્થાઓ દ્વારા લેવાયેલી વ્યૂહાત્મક કાર્યવાહી માટે વ્યાપક દિશાનિર્દેશ આપે છે. PLP ખેડૂતો, SHGs, ઉદ્યોગ સાહસિકો અને MSME સહિતના તમામ હિતગ્રાહકો સુધી સંસ્થાગત ક્રેડિટ સરળ અને સુવ્યવસ્થિત રીતે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.




