પ્રમોટરો તેમજ પીઈ રોકાણકારો દ્વારા ઈક્વિટી વેચી રૂ.૧ લાખ કરોડ ભેગા કર્યા…!!

ભારતીય શેરબજારના ઈતિહાસમાં પહેલી વખત ૨૦૨૫ દરમિયાન કંપની પ્રમોટરો, પ્રાઈવેટ ઈક્વિટી (પીઈ) ફંડ્સ તથા પ્રારંભિક તબક્કાના રોકાણકારોએ પોતાના ઈક્વિટી હોલ્ડિંગ વેચીને રૂ.૧ લાખ કરોડથી વધુની રકમ ઘરભેગી કરી છે. ઊંચા મૂલ્યાંકન અને પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોની મજબૂત માંગને કારણે ઈક્વિટી વેચાણ માટે નોંધપાત્ર ધસારો જોવા મળ્યો છે. વર્તમાન વર્ષમાં જાહેર ભરણાં (IPO) મારફતે અત્યાર સુધીમાં કુલ રૂપિયા ૧.૭૫ લાખ કરોડ જેટલી રકમ ઊભી કરવામાં આવી છે, જેમાંથી રૂપિયા ૧.૧૦ લાખ કરોડ એટલે કે લગભગ ૬૨% રકમ વર્તમાન હિસ્સેદારોના ખિસ્સામાં ગઈ છે. આ હિસ્સેદારોએ ઓફર ફોર સેલ (OFS) મારફતે પોતાની આંશિક ઈક્વિટી વેચી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ પ્રમોટરોએ OFS દ્વારા અંદાજે રૂપિયા ૯૫,૦૦૦ કરોડની રકમ ઊભી કરી હતી. આ વર્ષે IPOની સંખ્યાએ પણ એક નવો ઇતિહાસ રચ્યો છે. અઢાર વર્ષ બાદ પહેલી વખત IPOની સંખ્યા ૧૦૦ના આંકને પાર કરી ગઈ છે, જે પ્રાઈમરી માર્કેટ પ્રત્યે રોકાણકારોના વધતા વિશ્વાસને દર્શાવે છે. સેકન્ડરી બજારમાં તેજી સાથે પ્રાઈમરી માર્કેટમાં પણ રોકાણકારોની વધતી રુચિને ધ્યાનમાં રાખીને, પ્રમોટરો તથા પીઈ રોકાણકારો ઊંચા મૂલ્યાંકને પોતાના હિસ્સા ઘટાડી રહ્યા છે.
આ પ્રવૃત્તિથી સ્પષ્ટ થાય છે કે કંપનીઓ માટે હાલનો સમય મૂડી ઉઘરાવવા માટે અનુકૂળ સાબિત થઈ રહ્યો છે. આગામી ૨૦૨૬નું કેલેન્ડર વર્ષ પણ જાહેર ભરણાં માટે વ્યસ્ત રહેવાના સંકેતો મળી રહ્યા છે. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ડેટા અનુસાર, આગામી વર્ષમાં IPO લાવવા માટે ૮૮ કંપનીઓને પહેલેથી મંજૂરી મળી ચૂકી છે, જ્યારે વધુ ૧૦૪ કંપનીઓની અરજીઓ વિચારણા હેઠળ છે. આ રીતે, અંદાજે ૧૯૦ કંપનીઓ ૨૦૨૬માં પ્રાઈમરી માર્કેટ મારફતે રૂપિયા ૨.૫૦ લાખ કરોડથી વધુની રકમ ઊભી કરવાની તૈયારીમાં છે.



