
આદિવાસી વિસ્તારોમાં જમીન જંગલો અને કુદરતી સંસાધનો પર ગ્રામસભાને મુખ્ય અધિકાર અપાય તે માટે ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદન આપવામાં આવ્યું
આદિવાસી અગ્રણીઓ દ્વારા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ઉદ્દેશીને અપાયેલ આવેદનમાં જમીન જંગલો પર જંગલ ખાતાનું નિયંત્રણ દુર કરવા માંગ કરવામાં આવી
ઝઘડિયા તા.૧૬ ડિસેમ્બર ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આદિવાસી અગ્રણીઓ દ્વારા ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદન આપીને આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાઓને આપવામાં આવે તેવી માંગ કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ અને ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને આપવામાં આવેલ આ આવેદનમાં જણાવાયું હતું કે બંધારણની ૫ મી અનુસુચિ સાથેસાથે પેસા અધિનિયમ ૧૯૯૬ અને વન અધિકાર અધિનિયમ ૨૦૦૬ મુજબ આદિવાસી વિસ્તારોમાં જમીન,જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર ગ્રામસભાને આપવામાં આવેલ છે,છતાં વાસ્તવિકતા એ છેકે હજુ પણ આદિવાસી વિસ્તારોમાં આ બાબતે જંગલ ખાતાનું નિયંત્રણ છે.આવેદનમાં વધુમાં જણાવાયા મુજબ ગ્રામ પંચાયતોની ગૌચર જમીનમાં જંગલ ખાતા દ્વારા વનીકરણ કરી વાડ બનાવી લેવાતી હોય છે,અને આમ કરીને ગૌચરની જમીનો પર જંગલ ખાતા દ્વારા હક્ક કરી લેવામાં આવતો હોય છે.આને લઇને આદિવાસી વિસ્તારોમાં ગૌચર જમીનો નહિવત થઇ ગઇ છે,તેથી તેવી તમામ જમીનો પરત ગ્રામ પંચાયત હસ્તક સોંપી દેવાય તેવી માંગ કરવામાં આવી હતી.આને લઇને બંધારણીય અધિકારોનો ભંગ થાય છે,આદિવાસી લોકોના પરંપરાગત ચાલ્યા આવતા વન ઉપયોગમાં બાધ આવે છે અને જીવનનિર્વાહમાં અવરોધ ઉભો થાય છે,તેમજ વિકાસલક્ષી કામોમાં વિલંબ થાય છે,આમ જણાવીને આદિવાસી વિસ્તારોમાં ગૌચરની જમીનો પર જંગલ ખાતાનું નિયંત્રણ દુર કરીને ગ્રામસભાઓને અસરકારક અને વાસ્તવિક સત્તા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.ઉપરાંત આ બાબતને લઇને અંબાજીના પાડલીયા ગામે બનેલ ઘટનાનો અગ્રણીઓએ ઉલ્લેખ કર્યો હતો.
ઈરફાન ખત્રી
રાજપારડી




