શહેરાની એસ. જે. દવે હાઈસ્કૂલમાં બાળ લગ્ન વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
બાળ લગ્નની કુપ્રથાને નાથવા માટે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં સરકારી અધિકારીઓ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ‘બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન’ના ભાગરૂપે હવે ગામડે ગામડે આવેલી શાળાઓ, કોલેજો અને સમુદાયના લોકો વચ્ચે જાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ જ ક્રમમાં, શહેરાની એસ. જે. દવે હાઈસ્કૂલમાં બાળકો અને શિક્ષકોની હાજરીમાં જિલ્લા બાળ સુરક્ષા કચેરી તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા એક ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના સુરક્ષા અધિકારી રાજેશભાઈ પગી દ્વારા બાળકોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, ૨૦૦૬ અંતર્ગત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં જણાવાયું કે બાળ લગ્નથી થતું નુકસાન ગંભીર છે અને આવા લગ્નો કરાવનાર તેમજ તેને પ્રોત્સાહન આપનાર તમામ વ્યક્તિઓને બે વર્ષની સજા અને એક લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. પગીએ બાળકોને પોક્સો એક્ટ અને બાળ અધિકારો વિશે પણ બાળ રમતોના માધ્યમથી સરળ સમજણ પૂરી પાડી હતી. ત્યારબાદ સમાજ સુરક્ષા સહાયક સંજયભાઈ પટેલ દ્વારા બાળકોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપીને આ કાર્યક્રમની સમાપ્તિમાં સૌને બાળ વિવાહ મુક્ત રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા .






