
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : બામણવાડ પાસે પોલીસ વાહનો વચ્ચે ગંભીર અકસ્માત, ટીંટોઈ PCR વાનના ડ્રાઈવર મહેશ પટેલનું મોત
અરવલ્લી જિલ્લામાં અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત મોડી રાત્રે બામણવાડ ગામ પાસે એક કરુણ અને વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખુદ પોલીસ વિભાગની બે સરકારી ગાડીઓ સામસામે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ટીંટોઈ પોલીસ સ્ટેશનની PCR વાનના ડ્રાઈવર મહેશ પટેલનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ટીંટોઈ પોલીસની PCR વાન બામણવાડ પાટિયા રોડ પર રસ્તાની સાઈડમાં ઊભી હતી. તે દરમિયાન ભિલોડા કોર્ટમાંથી કેદીઓને મોડાસા સબજેલમાં મુકીને પરત ફરી રહેલી શામળાજી પોલીસ સ્ટેશનની જીપ પૂરપાટ ઝડપે આવી અને ઊભેલી PCR વાનને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે PCR વાન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.આ અકસ્માતમાં PCR વાનના ડ્રાઈવર મહેશ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક પોલીસ કર્મી અને એક હોમગાર્ડને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ, મોડાસા ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ અરવલ્લી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોતાની જ વિભાગની બે ગાડીઓ વચ્ચે થયેલા અકસ્માતમાં એક નિષ્ઠાવાન પોલીસ કર્મી ગુમાવતાં સમગ્ર અરવલ્લી પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે ઝડપ અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.





