
નવી દિલ્હી / ગુજરાત : રાષ્ટ્રીય પત્રકાર મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્યમાં સંગઠનને વધુ સશક્ત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાષ્ટ્રીય પત્રકાર મહાસંઘ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરિષ્ઠ બિઝનેસ એડિટર શ્રી નિખિલ ભટ્ટને તથા લોકાર્પણ દૈનિકનાં એડિટર શ્રી ગૌરાંગ પંડ્યાને ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત કર્યા છે.
આ નિમણૂકો રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શ્રી પવિત્ર મોહન સામંતરાય દ્વારા તાત્કાલિક અસરથી કરવામાં આવી હોવાનું મહાસંઘ દ્વારા જારી કરાયેલ અધિકૃત પ્રેસ રિલીઝમાં જણાવાયું છે.
મહાસંઘના રાષ્ટ્રીય નેતૃત્વે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે શ્રી નિખિલ ભટ્ટ અને શ્રી ગૌરાંગ પંડ્યા બંનેને પત્રકારિતાના ક્ષેત્રમાં લાંબો અને સમૃદ્ધ અનુભવ છે. તેમની પ્રતિબદ્ધતા, નિષ્પક્ષતા તથા જવાબદાર પત્રકારિતા પ્રત્યેનો અભિગમ રાષ્ટ્રીય પત્રકાર મહાસંઘના ઉદ્દેશોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
નવ-નિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટનાં એડિટર શ્રી નિખિલ ભટ્ટ લાંબા સમયથી પત્રકારિતાના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેમણે વિવિધ સામાજિક, આર્થિક અને જાહેર હિતના મુદ્દાઓ પર નિર્ભય અને જવાબદાર પત્રકારિતાની મજબૂત છાપ ઊભી કરી છે. જ્યારે ગુજરાત પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત થયેલા શ્રી ગૌરાંગ પંડ્યા સંગઠનાત્મક કાર્યોમાં સક્રિય રહી પત્રકારોના પ્રશ્નો, સુરક્ષા અને હિતોની બાબતમાં સતત અવાજ ઉઠાવતા આવ્યા છે.
રાષ્ટ્રીય પત્રકાર મહાસંઘે આશા વ્યક્ત કરી છે કે આ નવી નિમણૂકોના પરિણામે ગુજરાતમાં સંગઠનને નવી દિશા મળશે અને પત્રકારોના હિત, સુરક્ષા તથા અધિકારો માટેના સંઘર્ષને વધુ મજબૂતી મળશે. આ સાથે રાજ્યભરમાં પત્રકારિતાના મૂલ્યો, એકતા અને વ્યવસાયિક ગૌરવને નવી ઊંચાઈ મળશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
નિમણૂકોની જાહેરાત થતાં જ પત્રકાર જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વિવિધ પત્રકાર સંગઠનો, મીડિયા સાથીઓ તથા શુભેચ્છકોએ નવનિયુક્ત ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી નિખિલ ભટ્ટ અને શ્રી ગૌરાંગ પંડ્યાને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવી તેમને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી છે.


