
ધોરણ-૫ના ૨૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વિશેષ આયોજન
NEP-૨૦૨૦ અંતર્ગત મહેસાણા જિલ્લામાં શિક્ષણ તંત્રની ક્ષમતા નિર્માણ વર્કશોપ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–૨૦૨૦ અનુસાર વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતાનુસાર શીખી શકે અને ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિઓમાં પારંગત બને તે હેતુથી મહેસાણા જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાના પ્રાથમિક શાળાઓમાં આ પ્રકલ્પનું સધન અમલીકરણ થાય તે માટે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બી.આર.સી.સી.ઓ. અને સી.આર.સી.સી.ઓ. માટે કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ, મહેસાણા ખાતે એક દિવસીય ‘કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપ’ યોજાઈ હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ શૈક્ષણિક શિબિરમાં જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ-૫માં અભ્યાસ કરતા ૨૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને બૌદ્ધિક ક્ષમતા ઉપરાંત ગણિત, ગુજરાતી, પર્યાવરણ, હિન્દી અને અંગ્રેજી જેવા વિષયોમાં નિપુણ બનાવવાના આયોજન અંગે રાજ્ય કક્ષાના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
વર્કશોપ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા, NAS, GAS તથા પ્રાથમિક શિષ્યવૃત્તિ જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જિલ્લાના વિદ્યાર્થીઓનું પ્રદર્શન વધુ સશક્ત બને તે માટે વિશેષ ચિંતન કરાયું. SAT તથા ગુણોત્સવ ૨.૦ના પરિણામોમાં ગુણાત્મક સુધારો લાવવો, વિશેષ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેમને આગોતરી તૈયારી કરાવવી તેમજ ‘વાચનથી વિકાસ’ કાર્યક્રમનો સધન અમલ કરવો એ વર્કશોપના મુખ્ય ઉદ્દેશો રહ્યા.
સમગ્ર શિક્ષા, ગુજરાતના ક્વોલિટી એન્હાન્સમેન્ટ સેલમાંથી સુચિતભાઈ પ્રજાપતિએ NEP-૨૦૨૦ના પરિપ્રેક્ષમાં ઈનોવેટિવ પેડાગોજી દ્વારા વિદ્યાર્થીઓને અધ્યયન નિષ્પત્તિ આધારિત શીખવવાની પદ્ધતિઓ સમજાવી. ડીપીઇઓ ડૉ. શરદ ત્રિવેદીએ વિવિધ શૈક્ષણિક પ્રકલ્પોના અમલીકરણની વ્યૂહરચના રજૂ કરી. ઉપરાંત, જિલ્લા શૈક્ષણિક ટાસ્કફોર્સના નિષ્ણાતોએ ‘ગુરુચાવી’, ‘ચાલો મગજ કસીએ’ સહિતના શૈક્ષણિક સાહિત્ય અને અનુભવ કસોટીઓના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું.
આ તાલીમ શિબિરની સમગ્ર વ્યવસ્થા મહેસાણા યુવા ગ્રીનના ફાઉન્ડર કનુભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.





