NATIONAL

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત, ઇડીનો મની લોન્ડરિંગ કેસ કોર્ટે ફગાવ્યો

નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સાંસદ સોનિયા ગાંધીને કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. આ મામલામાં તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઇડીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે જે ચાર્જશીટ દાખલ કરી હતી તેને દિલ્હીની કોર્ટે ફગાવી દીધી છે અને તેની નોંધ લેવાની ના પાડી દીધી છે. એટલુ જ નહીં આ સાથે જ ઇડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે જે મની લોન્ડરિંગની ફરિયાદ દાખલ કરી હતી તેને પણ ફગાવી દીધી છે.

દિલ્હીમાં રાઉઝ એવન્યૂ કોર્ટના જજ વિશાલ ગાગણેએ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને અન્યો સામે મની લોન્ડરિંગ મામલે ઇડી દ્વારા દાખલ ફરિયાદ રદ કરતા સ્પષ્ટતા કરી હતી કે મેજિસ્ટ્રેટ સમક્ષ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદના આધારે ઇડીએ મની લોન્ડરિંગની ફરિયાદ દાખલ કરી હતી. મની લોન્ડરિંગની ફરિયાદ એફઆઇઆરના આધારે દાખલ કરવામાં નહોતી આવી પરંતુ એક પ્રાઇવેટ ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી હતી જેથી તેનો સ્વીકાર કરી શકાય નહીં.  રાહુલ ગાંધી, સોનિયા ગાંધી ઉપરાંત અન્યો સામે ના તો સીબીઆઇ દ્વારા એફઆઇઆર દાખલ કરાઇ છે ના તો ઇડી દ્વારા, ઇડીએ આ મામલામાં માત્ર એનફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ઇસીઆઇઆર) દાખલ કરીને કોંગ્રેસના ટોચના નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.  આ સંપૂર્ણ કાર્યવાહીને જ કોર્ટે કાયદાને અનુકુળ નથી ગણાવી. કોઇ ખાનગી વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ પર મની લોન્ડરિંગના મામલાની સંજ્ઞાાન લેવી પણ કાયદાકીય રીતે સ્વીકાર્ય નથી તેવી સ્પષ્ટતા કોર્ટે કરી હતી.  તેથી હાલ તો ગાંધી પરિવારને આ ચુકાદાથી રાહત મળી ગઇ છે પરંતુ આગામી દિવસોમાં દિલ્હી પોલીસ દ્વારા એફઆઇઆર દાખલ થાય તો ઇડી પોતાની તપાસ શરૂ રાખશે અને તેના આધારે ફરી ચાર્જશીટ પણ દાખલ કરી શકે છે.  નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડી દ્વારા જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, સામ પિત્રોડા, સુમન દુબે, સુનીલ ભંડારી ઉપરાંત યંગ ઇન્ડિયન અને ડોટેક્સ મર્ચેડાઇઝ પ્રાઇવેટ લિમિટેડને આરોપી બનાવાયા છે.

કોર્ટના આ નિર્ણય બાદ હવે કોંગ્રેસના નેતા પવન ખેરાએ પ્રેસ કોન્ફરંસ યોજી હતી અને દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીનું મનોબળ તોડવા માટે આ આખો જુઠો કેસ તૈયાર કરાયો હતો, જેનું કાવતરુ ગેંગ્સ ઓફ ગાંધીનગર દ્વારા ઘડાયું હતું. ગેંગ્સ ઓફ ગાંધીનગર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.

જ્યારે કોંગ્રેસે એક્સ (ટ્વિટર) પર એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે કોર્ટે સ્પષ્ટતા કરી છે કે એફઆઇઆર વગર કોઇ કેસ ના ચાલે. મોદી સરકાર દ્વારા પ્રેરિત આ કેસ છે, તમામ કાવાદાવા અને જુઠ કોર્ટમાં ખુલ્લા પડી ગયા. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જ્યારે નેશનલ હેરાલ્ડને બદનામ કરવા માટે આ કાર્યવાહી થઇ રહી હતી ત્યારે જ કોંગ્રેસ અને તેના નેતાઓએ કહ્યું હતું કે આપણે બ્રિટિશરોથી નથી ડર્યા તો પછી ભાજપ, આરએસએસ, મોદી-શાહથી ડરી જઇશું શું? કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે કહ્યું હતું કે ભાજપના કન્ટ્રોલથી ચાલતી એજન્સી ઇડીએ નેશનલ હેરાલ્ડના બોગસ કેસમાં કોંગ્રેસના નેતૃત્વને ફસાવવા ઘણો પ્રયાસ કર્યો પરંતુ કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ થઇ ગયું કે આ સંપૂર્ણ કેસ જ રાજકીય કિન્નાખોરીનો ભાગ છે.

Back to top button
error: Content is protected !!