કેપી ગ્રુપ અને બોત્સવાના ગર્વમેન્ટ વચ્ચે કરાર થયા: કેપી ગ્રુપ બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 36 હજાર કરોડનુ રોકાણ કરશે


સમીર પટેલ, ભરૂચ
– એમઓયુ હેઠળ, કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ માટે સાથે મળીને કામ કરશે અને પાંચ ગીગાવોટનો પ્લાન્ટ સ્થાપિત કરશે
– કેપી ગ્રુપ બોત્સ્વાનાના 30 વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, સસ્ટેનેટિબિલિટી અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વાર્ષિક 30 શિષ્યવૃત્તિઓ પુરી પાડશે
ભરૂચ,
રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઊર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ માટે કેપી ગ્રુપે રિપબ્લિક ઓફ બોત્સ્વાના સરકાર સાથે આજે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.આ એમઓયુ કેપી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે અને વર્ષ 2030 સુધી બોત્સ્વાનાને નેટ-ઝીરો દેશ બનાવવાના લક્ષ્ય માટે મદદરૂપ બનશે.કેપી ગ્રુપ અને બોટ્સવાના પ્રજાસત્તાકની સરકાર વચ્ચે થયેલ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) ભારતની માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોટ્સવાના પ્રવાસ બાદ લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે.
આ સમજૂતી કરાર પર બોત્સ્વાનાના ખનિજ અને ઊર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેપી ગ્રુપમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ, કેપી એનર્જી લિમિટેડ અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ સહિતની 43 કંપનીનો સમાવેશ થાય છે.આ કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી તેમજ તેની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સના આયોજન, વિકાસ અને અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેનો હેતુ બોત્સ્વાનાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનો અને તેને આ ક્ષેત્રમાં સ્વચ્છ ઊર્જાના નિકાસકાર તરીકે સ્થાપિત કરવાનો છે.
એમઓયુ હેઠળ કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ માટે સાથે મળીને કામ કરશે. જેના માટે અંદાજે ડ૪ બિલિયન આશરે ૩૬,૦૦૦ કરોડના મૂડી રોકાણની જરૂર પડશે.પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સમાં યુટિલિટી-સ્કેલ સોલાર, વિન્ડ અને હાઈબ્રિડ પાવર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે.ગ્રિડની સ્થિરતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ પણ વિકસાવવામાં આવશે.આ પ્રોજેક્ટ્સથી બોત્સ્વાનાની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા લગભગ ૫ ગીગાવોટ સુધી વધારવામાં મદદ મળશે.
સાથે જ આ સમજૂતી અંતર્ગત બોત્સ્વાનામાં હાઈ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઈનોના અપગ્રેડ અને
નવી લાઈનોના નિર્માણની પણ યોજના છે.ઉપરાંત, દક્ષિણ આફ્રિકા સહિત પડોશી દેશો સાથેના વીજ આંતરજોડાણોને મજબૂત બનાવી પ્રાદેશિક વીજ ટ્રાન્સમિશનને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ પણ રાખવામાં આવ્યો છે.વધુમાં આ સહયોગના ભાગરૂપે, કેપી ગ્રુપ બોત્સ્વાનાના વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, સસ્ટેનેટિબિલિટી અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વાર્ષિક 30 શિષ્યવૃત્તિઓ પુરી પાડશે.આ પહેલનો ઉદ્દેશ સ્થાનિક ક્ષમતાનું નિર્માણ કરવાનું,નોલેજ ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવાનું અને બોત્સ્વાનાના યુવાનોને દેશના સ્વચ્છ ઉર્જા પરિવર્તનમાં સક્રિયપણે ભાગ લેવા માટે સશક્ત બનાવવાનો છે.
બોત્સ્વાના સરકારના ખનિજ અને ઊર્જા મંત્રી માનનીય બોગોલો જોય કેનેવેન્ડોએ જણાવ્યું હતું કે “આ સમજૂતી કરાર બોત્સ્વાનાની ટકાઉ, સુરક્ષિત અને વૈવિધ્યસભર ઊર્જા ભવિષ્ય તરફની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે.કેપી ગ્રુપ જેવી અનુભવી આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી કંપની સાથે ભાગીદારી દ્વારા બોત્સ્વાના સ્વચ્છ ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ, પ્રાદેશિક વીજળી જોડાણોને મજબૂત બનાવવા અને દેશ માટે લાંબા ગાળાની આર્થિક તથા પર્યાવરણીય લાભો પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.”
આ અંગે કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન-એમડી અને પ્રમોટર ડૉ. ફારુક જી. પટેલ એ જણાવ્યું હતું કે, “આ એમઓયુ દ્વારા સસ્ટેનેબલ રિન્યુએબલ ઉકેલો દ્વારા ઊર્જા પરિવર્તનને ઝડપ આપવા માટે કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકારની સંયુક્ત પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. બોત્સ્વાનામાં સોલાર અને વિન્ડ એનર્જીની વિશાળ સંભાવનાઓ છે અને આ તકને સાકાર કરવા માટે સરકાર સાથે ભાગીદારી કરવી અમારા માટે ગૌરવની બાબત છે.અમે 2030 સુધી બોત્સ્વાનાની નેટ-ઝીરો યાત્રામાં ભાગીદારી આપવા સાથે મહત્વપૂર્ણ રોકાણો અને સ્વચ્છ ઊર્જાની પ્રાદેશિક નિકાસ દ્વારા લાંબા ગાળાનું આર્થિક મૂલ્ય સર્જવાનો પણ ઉદ્દેશ રાખીએ છીએ.”
આ સમજૂતીના ભાગરૂપે. કેપી ગ્રૂપ ટેકનિકલ અને વ્યાવસાયિક વિકાસ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે, જેમાં ફિઝિબિલિટી, પ્રોજેક્ટ ડિઝાઈન, ફાઈનાન્સિંગ, બાંધકામ, કમિશનિંગ તેમજ રિન્યુએબલ એનર્જી અને સ્ટોરેજ એસેટ્સનું લાંબા ગાળાનું ઓપેરેશન-મેઈન્ટેનન્સ સામેલ છે.બીજી તરફ, બોત્સવાના સરકાર પ્રોજેક્ટ્સ માટે નીતિગત અને નિયમનાત્મક સહાય પૂરી પાડશે.પરવાનગીઓ અને મંજૂરી પ્રક્રિયાને સુગમ બનાવશે, જમીન ઉપલબ્ધતા અને ટ્રાન્સમિશન આયોજનમાં સહયોગ આપશે અને રાષ્ટ્રીય યુટિલિટીઝ તથા નિયમનકારો સાથે સંકલન સુનિશ્ચિત કરશે.
આ કરાર બોત્સવાનાની ઊર્જા મિશ્રણમાં વૈવિધ્ય લાવવાની અને ફોસિલ ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. કેપી ગ્રૂપ માટે આ સહકાર ભારતની બહાર તેની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં તેની ઉપસ્થિતિ અંગેનું એક વ્યૂહાત્મક વિસ્તરણ પગલું છે.
ઉલ્લેખનીય છે કે કેપી ગ્રુપનો આજદીન સુધી ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 6 ગીગાવોટનો પોર્ટફોલિયો છે અને તે વર્ષ 2030 સુધીમાં 10 ગીગાવોટના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે.
ગ્રીન હાઈડ્રોજન-એમોનિયા ક્ષેત્રે, બેટરી એનર્જી સ્ટોરેજ, ઓફશોર અને ફલોટિંગ સોલાર ક્ષેત્રે પણ કેપી ગ્રુપ પદાપર્ણ કરી ચુક્યું છે. માતરમાં કેપી ગ્રુપની 45 એકરમાં સ્ટેટ ઓફ આર્ટ ફેબ્રિકેશન-ગેલ્વેનાઈઝીંગ ફેસેલિટી છે અને અહીં એશિયાની સૌથી મોટી ગેલ્વેનાઈઝીંગ કેટલા પણ તેણે ઈન્સ્ટોલ કરી છે.




