
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : જિલ્લામાં નશાનો કાળો કારોબાર ઝડપાયો મોડાસા બજાર તથા હાઇવે પર પોલીસની તાબડતોબ કાર્યવાહી , SOG પોલિસે 2 અને ટાઉન પોલીસે 1 આરોપી ઝડપ્યો
અરવલ્લી જિલ્લાના પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મોડાસા શહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોડાસા ટાઉન પોલીસ દ્વારા મેઘરજ રોડ સહિત શહેર અને હાઇવે પર આવેલા પાન પાર્લર, હોટલ-ઢાબા અને જનરલ સ્ટોરોમાં વિશેષ ચેકિંગ કરવામાં આવ્યું હતું
મોડાસા ટાઉન પોલીસને મળેલી હકીકત આધારે સાત અધિકારીઓની ટીમે મેઘરજ રોડ પર આવેલ ગાયત્રી ટ્રેડર્સ પાન પાર્લર ખાતે તપાસ કરતાં ચરસ-ગાંજાના નશા માટે ઉપયોગમાં લેવાતાં સ્ટેશ પ્રો રોલિંગ પેપર નંગ-૪૩ (કુલ કિંમત રૂ. ૬૪૫/-) મળી આવ્યા હતા. આ મામલે આરોપી મનીશકુમાર સામજીભાઈ પટેલ (રહે. વેદ રેસીડેન્સી, મકાન નં. ૧૦૮, મોડાસા) વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
હાઇવે પર હોટલ-ઢાબા અને સ્ટોર પર દરોડા
શામળાજી–મોડાસા હાઇવે પર ભવાનપુર નજીક આવેલ મહાદેવ હોટલ ઢાબા પર તપાસ દરમિયાન માનવ સ્વાસ્થ્યને હાનિકારક તથા જાહેરનામા મુજબ પ્રતિબંધિત GOPRO સ્મોકિંગ પેપરના કુલ બોક્સ નંગ-૬ (કિંમત રૂ. ૪,૩૫૦/-) જપ્ત કરાયા. આ કેસમાં આરોપી નંદલાલભાઈ નાનાલાલ આહીર (રહે. મહાદેવ હોટલ ઢાબા, ભવાનપુર, તા. શામળાજી, જી. અરવલ્લી; મૂળ રહે. હમીરગઢ, ભીલવાડા, રાજસ્થાન) સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
તદુપરાંત, શામળાજી–અમદાવાદ હાઇવે પર અસાલ ગામની સીમમાં કેલાવાલા હોટલની બાજુમાં આવેલ કૃષ્ણા જનરલ સ્ટોર પર તપાસ કરતાં પ્રતિબંધિત GOPRO સ્મોકિંગ પેપરના કુલ બોક્સ નંગ-૭ (કિંમત રૂ. ૨,૫૫૦/-) મળી આવ્યા હતા. આ અંગે આરોપી કનૈયાલાલ મણીલાલ આહીર (ઉ.વ. ૨૭; હાલ રહે. કૃષ્ણા જનરલ સ્ટોર, અસાલ ગામની સીમ, તા. શામળાજી, જી. અરવલ્લી; મૂળ રહે. ગંગરાર, ચિતોડગઢ, રાજસ્થાન) વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મોડાસા શહેરમાં પાન પાર્લર કે અન્ય કોઈ સ્થળે સ્વાસ્થ્યને નુકસાનકારક અને નશાકારક પદાર્થો વેચી યુવાનોને નશામાં ધકેલનારાઓ સામે હવે કોઈ ઢીલાશ નહીં રાખવામાં આવે, તેવી સ્પષ્ટ ચેતવણી પોલીસ દ્વારા આપવામાં આવી છે. નશાના કાળા કારોબાર સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.





