AHAVAWAGHAI

ડાંગના પ્રવેશદ્વાર વઘઇમાં RTOની દાદાગીરી: ચેકપોસ્ટ પ્રથા બંધ હોવા છતાં ‘નિયમોનું ઉલ્લંઘન’..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં આરટીઓ (RTO) ચેકપોસ્ટ પ્રથા નાબૂદ કરી તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી હોવાના મોટા દાવાઓ કરવામાં આવ્યા છે. જોકે, ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર સમાન વઘઇ ખાતે આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ RTO વિભાગની મનમાની અને દાદાગીરી સામે આવી છે, જેના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મળતી માહિતી મુજબ, વઘઇ નજીક મુખ્ય માર્ગ પર આરટીઓ વિભાગની સરકારી ગાડીને અવરોધરૂપે રસ્તાની વચ્ચે ઊભી રાખી દેવામાં આવે છે. આવતા-જતા વાહનોને રોકીને બિનજરૂરી ચેકિંગ અને દંડની વસૂલાત કરવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદો વાહનચાલકો કરી રહ્યા છે. ખાસ કરીને બહારથી આવતા પ્રવાસીઓ, ખાનગી લક્ઝરી બસો અને માલવાહક ટ્રકોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાની ચર્ચા જોવા મળી રહી  છે.રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા તરફ જતા પ્રવાસીઓ માટે આ માર્ગ મુખ્ય છે. RTOની આ પ્રકારની આડોડાઈને કારણે પ્રવાસીઓમાં ભય અને અસંતોષનો માહોલ છે. સતત ચેકિંગ અને કનડગતના કારણે હવે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો ડાંગ તરફ આવવાનું ટાળી રહ્યા છે. જેની સીધી અસર પ્રવાસીઓની સંખ્યા ઘટતા હોટેલ બુકિંગમાં ઘટાડો.પ્રવાસન પર નભતા નાના-મોટા વેપારીઓની આવકમાં ફટકો,પ્રવાસન આધારિત સ્થાનિક રોજગારી જોખમમાં હોય તેવું જોવા મળી રહ્યું છે.સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો પ્રશ્ન કરી રહ્યા છે કે જ્યારે સરકારે સત્તાવાર રીતે ચેકપોસ્ટ વ્યવસ્થા બંધ કરી દીધી છે, તો વઘઇમાં કયા નિયમ હેઠળ આ કામગીરી ચાલી રહી છે? શું સ્થાનિક અધિકારીઓ સરકારના આદેશોને ઘોળીને પી ગયા છે?ડાંગના નાગરિકો અને વેપારી મંડળોએ રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે,વઘઇ ખાતે ચાલતી RTOની આ દાદાગીરી તાત્કાલિક બંધ કરવામાં આવે.મનમાની કરતા જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી કડક પગલાં લેવાય તે પણ જરૂરી બન્યું છે.સાપુતારા આવતા પ્રવાસીઓ માટે અવરોધરહિત માર્ગ સુનિશ્ચિત કરવામાં આવે.જો આ પ્રવૃત્તિઓ જલ્દી અટકાવવામાં નહીં આવે, તો ડાંગના અર્થતંત્રના મુખ્ય સ્તંભ સમાન પ્રવાસન ઉદ્યોગને ક્યારેય ન પુરાય તેવું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે..

Back to top button
error: Content is protected !!