THARADVAV-THARAD

થરાદમાં સતત ચોથા દિવસે પણ દબાણ યથાવત, નગરપાલિકાની કાર્યવાહી પર ઉઠ્યા સવાલો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ શહેરમાં દબાણ હટાવવાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા બજાર વિસ્તારમાં દબાણદારો સામે કડક વલણ અપનાવી “લાલ આંખ” બતાવવામાં આવી રહી છે. થરાદના મુખ્ય બજારમાં અનેક દુકાનદારો દ્વારા રસ્તા ઉપર અને જાહેર જગ્યામાં દબાણ કરી વેપાર કરવામાં આવતો હોવાથી નગરપાલિકા દ્વારા કાયદેસર રીતે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પરંતુ આ કાર્યવાહી વચ્ચે કેટલાક ગંભીર પ્રશ્નો પણ ઊભા થયા છે.

*બોક્ષ*

*થરાદના બજાર વિસ્તારમાં આવેલું નગરપાલિકાનું જુનું બિલ્ડિંગ, જે લગભગ 99 વર્ષના કરાર ઉપર આપવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તે અત્યંત જર્જરિત હાલતમાં છે. બિલ્ડિંગ પડવાની કાગાર પર હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને તેની નીચે દુકાનો પણ કાર્યરત છે. નગરપાલિકા જો જાહેર માર્ગ ઉપરના દબાણો કાયદેસર રીતે દૂર કરી રહી છે, તો પછી જાનના જોખમ સમાન આ જર્જરિત બિલ્ડિંગ બાબતે શું પગલાં લેવાશે? જો કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે—આવો સવાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે*.

આ ઉપરાંત, શાકમાર્કેટમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી બાદ બીજા જ દિવસે રાજકીય દબાણ અથવા લાગવગના જોરે અમુક શાકભાજીની દુકાનો યથાવત રાખવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. જેના કારણે નગરપાલિકાની કાર્યવાહી સમાનતા અને ન્યાયસંગતતા ઉપર સવાલ ઊભા થયા છે. હવે જોવાનું રહ્યું કે શું આ દબાણો ફરીથી શાકમાર્કેટમાંથી સંપૂર્ણપણે હટાવવામાં આવશે કે પછી લાગવગના કારણે કેટલાક દબાણો એમનેમ યથાવત રહેશે.

થરાદ શહેરની જનતા હવે નગરપાલિકા પાસેથી માત્ર કાર્યવાહી નહીં પરંતુ નિષ્પક્ષ અને સલામતીને પ્રાથમિકતા આપતી કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે.

Back to top button
error: Content is protected !!