મહિલા સશક્તિકરણના નામે માત્ર કાગળ પર જ અનામત હોવાની ગંભીર નોંધ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે લીધી
દેશના પંચાયતી રાજ અને શહેરી સ્થાનિક સંસ્થાઓમાં મહિલા સશક્તિકરણના નામે માત્ર કાગળ પર જ અનામત હોવાની ગંભીર નોંધ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે(NHRC) લીધી છે. મહિલા સરપંચ કે સભ્યના સ્થાને તેમના પતિ, ભાઈ કે સંબંધીઓ દ્વારા કરવામાં આવતાં વહીવટ એટલે કે ‘સરપંચ પતિ’ પ્રથા વિરુદ્ધ પંચે ગુજરાત સહિત દેશના 24 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના ઉચ્ચ અધિકારીઓને શરતી સમન્સ પાઠવ્યા છે.
પંચાયતી રાજમાં 50 ટકા મહિલાની અનામત રાખવામાં આવી છે. કારણ કે સમાજના ઉત્થાન તેમજ વિકાસમાં મહિલાઓની પણ સરખી ભાગીદારી રહે, પણ હાલ અનેક ગ્રામ પંચાયતોમાં મહિલાઓને બદલે સરપંચ પતિ, ભાઈ કે અન્ય કોઈ વહીવટ કરી રહ્યા છે. ગ્રામ કક્ષા હોય કે તાલુકા કક્ષાએ વિવિધ અધિકારીઓ સરપંચ સાથે સંકલન બેઠક ગોઠવે છે જેમાં પણ મહિલા સરપંચની જગ્યાએ મોટેભાગે સરપંચ પતિ કે અન્ય કોઈ બેઠકમાં હાજર રહે છે. જેની અધિકારીઓને ખબર હોવા છતાં તે બાબતે આંખ આડા કામ કરે છે. સરેઆમ મહિલાઓની 50 ટકાની ભાગીદારીના નિર્ણયનું ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે(NHRC) સમગ્ર બાબતે ગંભીર નોંધ લીધી છે.
NHRCએ સ્પષ્ટ કર્યું છે કે પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓની જગ્યાએ અન્ય કોઈ દ્વારા વહીવટ કરવો એ ભારતીય બંધારણના આદેશોનું સતત ઉલ્લંઘન છે. આ પ્રથા બંધારણના અનુચ્છેદ 14,15 (3) અને 21 હેઠળ મળેલા સમાનતા અને ગૌરવપૂર્ણ જીવનના મૂળભૂત અધિકારો પર તરાપ મારે છે.
“પ્રોક્સી પ્રતિનિધિત્વ એ માત્ર ગેરકાયદેસર નથી, પરંતુ લોકશાહી આદેશ અને બંધારણીય અખંડિતતા સાથેનું મોટું સમાધાન છે.” – રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ
હરિયાણાના બાળ અધિકાર પંચના પૂર્વ સભ્યની ફરિયાદ બાદ પ્રિયંક કાનુંગોના નેજા હેઠળની સમિતિએ આ મામલે સુનાવણી હાથ ધરી છે. ગુજરાત સહિત 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને પંચાયતી રાજ વિભાગના સચિવોને આ મામલે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે. અગાઉ સમન્સ છતાં જવાબ ન આપનાર અધિકારીઓ સામે હવે પંચે કડક વલણ અપનાવ્યું છે.
રાજ્યમાં અંદાજે 6,000 ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મોટાભાગનો વહીવટ તેમના પતિઓ જ સંભાળે છે. આ ગંભીર મુદ્દે હવે તંત્ર જાગ્યું છે.
જો ગ્રામ પંચાયતમાં સરપંચની ખુરશી પર કોઈ બિનઅધિકૃત વ્યક્તિ બેઠેલી જણાશે, તો તેની સીધી જવાબદારી તલાટી કમ મંત્રીની રહેશે.
ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) મુજબ હવે જો કોઈ પતિ કે સગા પંચાયતનો વહીવટ કરતાં ઝડપાશે, તો જે-તે મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવા સુધીની અને જરૂર જણાયે ફોજદારી (પોલીસ) ફરિયાદ કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. આ આદેશને પગલે પંચાયતોમાં વહીવટ કરતાં ‘સરપંચ પતિઓ’માં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજરાત, અરુણાચલ પ્રદેશ, આસામ, છત્તીસગઢ, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલૅન્ડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, લક્ષદ્વીપ અને પુડુચેરીના મુખ્ય સચિવ, શહેરી સ્થાનિક સંસ્થાઓ વિભાગ અને મુખ્ય સચિવ, પંચાયતી રાજ વિભાગને શરતી સમન્સ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે.




