
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે સ્વદેશી અભિયાન અંતર્ગત ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.જૂનાગઢમાં સરદારબાગ ખાતે ઝાંસીની રાણી સર્કલ સામે હવેલી વાડી ખાતે લોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાનને ચરિતાર્થ કરતા આ મેળામાં ૧૦૦ સ્ટોલ્સના માધ્યમથી સ્થાનિક સ્તરે અવનવી કલાત્મક વસ્તુઓ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સહિતની પ્રોડક્ટસનું વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ગુજરાત લાઈવહુડ પ્રમોશન કંપની લી.- ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ સશક્ત નારી મેળાને મંત્રી શ્રી પ્રદ્યુમન વાજાએ ખુલ્લો મુકવાની સાથે સ્ટોલ્સ ધારક બહેનો પાસેથી તેમના ઉત્પાદનોની વિગત મેળવી હતી અને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે,ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિના સન્માનની ઉજળી પરંપરાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારે આગળ વધારી છે, તે જ કડીમાં મહિલાઓ આર્થિક રીતે પણ સશક્ત બને અને તેમનામાં રહેલી ક્ષમતાઓને વિસ્તાર મળે તે માટે જરૂરી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આજે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી ગુજરાતમાં ૫.૯૬ લાખ બહેનો લખપતિ દીદી બની ચૂકી છે અને ૧૦ લાખ લખપતિ દીદી બનાવવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે ગુજરાત સરકાર આગળ વધી રહી છે.કૃષિ ક્ષેત્રમાં પણ ટેકનોલોજીના ઉપયોગ થકી ડ્રોન દીદી તરીકે મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. તેમણે કહ્યું કે નારી શક્તિ રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે, રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પણ તેમની ભાગીદારી અનિવાર્ય છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ સશક્ત નારી મેળાના માધ્યમથી સ્થાનિક સ્તરે મહિલાઓને એક પ્લેટફોર્મ મળવાથી તેમની આર્થિક ભાગીદારીને વેગ મળશે, સાથે જ અન્ય મહિલાઓને આગળ વધવા માટે પ્રેરણા પણ મળી રહેશે,તેમણે કહ્યું કે, આ સશક્ત નારી મેળો નારી શક્તિનું જીવંત સ્વરૂપ છે, જે અહીં પ્રતિબિંબિત પણ થઈ રહ્યું છે.આ મેળાના માધ્યમથી લોકલ ફોર વોકલ અભિયાનને વેગ મળશે. ઉપરાંત મહિલાઓને સ્વરોજગારી અને તેમની પાસે રહેલી હસ્તકળાને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ મહિલાઓ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે આગળ વધે તે જરૂરી ગણાવવાની સાથે મહિલા સશક્તિકરણ માટેના યોજનાકીય અને નીતિગત આયામોનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમને કહ્યું કે, મહિલાઓને રાજકીય ક્ષેત્રે પણ પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિ વંદના અધિનિયમ પારિત કરીને લોકસભા અને વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કર્યું છે.દેશને વિકાસશીલ રાષ્ટ્રમાંથી દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ ત્યાં સુધીમાં એટલે કે, વર્ષ ૨૦૨૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો માર્ગ આત્મનિર્ભર ભારત અને સ્વદેશીને સાધન થકી સાકાર થઈ શકશે. ઉપરાંત પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર અને કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ આગવા અભિગમ સાથે જાહેર આમંત્રણ થકી સખી મંડળ તરીકે ન નોંધાયેલા બહેનોને આ સશક્ત નારી મેળામાં ભાગ લેવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું તે માટે પણ અભિનંદન આપ્યા હતા.આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ બહેનોને નવીન ઇનોવેશન સાથેની વસ્તુઓ બનાવવા માટે પ્રેરણા પૂરી પાડતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે આ પ્રકારના મેળાથી મહિલાઓને આગળ વધવા માટે તક મળે છે. તેમણે કહ્યું કે, જૂનાગઢ એક મોટા ટુરીઝમ હબ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે નુતન વિચાર અને ઇનોવેશન સાથેની આકર્ષક વસ્તુઓ પ્રવાસીઓને આકર્ષે છે, જેથી તેવી વસ્તુઓ બનાવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓ આગળ વધે અને તેમની શક્તિઓ બહાર આવે તે માટેના વિઝનને બિરદાવ્યું હતું. ઉપરાંત તેમણે જિલ્લા કલેકટરશ્રી અને સમગ્ર વહીવટી તંત્રને મહિલાઓને જરૂરી પ્રોત્સાહન મળી રહે તે માટેના પ્રયાસો માટે અભિનંદન આપ્યા હતા.આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પી.એ.જાડેજાએ શાબ્દિક સ્વાગત કરી સર્વે મહાનુભાવો અને ઉપસ્થિતોને આવકાર્ય હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્વ રોજગારી માટે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર ૧૦ જેટલા પ્રગતિશીલ બહેનોનું વિશેષ સન્માન કર્યું હતું, ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકામાં સીધી ફરીથી નિયુક્ત થયેલ મહિલા ઉમેદવારોને પણ નારી સન્માનના પ્રતિક રૂપે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અરવિંદભાઈ લાડાણી, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા કમિશનર તેજસ પટેલ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, દંડક કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રી સહિતના પદાધિકારી અધિકારી અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ








