
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કુદરતના ખોળે વસેલા ડાંગ જિલ્લામાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગના પ્રવેશદ્વાર વઘઈથી આહવા તરફ જતા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા કુડકસ ગામ પાસે એક મનમોહક નજારો જોવા મળી રહ્યો છે. અહીંના સ્થાનિક કોતર પર બનેલા ચેકડેમમાં પાણીની સપાટી પર ખીલેલા રંગબેરંગી કમળો અને જળકુંભીના ફૂલોએ પ્રવાસીઓ અને સ્થાનિકોના દિલ જીતી લીધા છે.ચોમાસા બાદ છલોછલ ભરાયેલા આ ચેકડેમમાં કુદરતી રીતે જ હજારોની સંખ્યામાં ગુલાબી કમળ અને સફેદ-જાંબલી ફૂલો ખીલી ઉઠ્યા છે. લીલાછમ પાંદડાઓની વચ્ચે તરતા આ રંગબેરંગી ફૂલોને કારણે સમગ્ર જળાશય જાણે ફૂલોની ચાદર ઓઢી હોય તેવું પ્રતીત થાય છે. આ દ્રશ્ય જોઈને પસાર થતા વાહનચાલકો અને પ્રકૃતિપ્રેમીઓની આંખો ઠરી જાય છે. આ મનમોહક નજારો હાલમાં સોશિયલ મીડિયા પર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. કુડકસ ગામનો આ ચેકડેમ હવે પ્રવાસીઓ માટે એક લોકપ્રિય ફોટોગ્રાફી પોઈન્ટ અને સેલ્ફી ડેસ્ટિનેશન બની ગયો છે. લોકો ખાસ અહીં રોકાઈને આ અદભૂત કુદરતી સૌંદર્યને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. પ્રકૃતિના આ અદભૂત સાનિધ્યને કારણે માનસિક શાંતિનો અનુભવ થાય છે અને ડાંગના પર્યટનમાં આ સ્થળ એક નવું ઘરેણું સાબિત થઈ રહ્યું છે..





